હુકમ@કચ્છ: પંથકનું સૌથી મોટું કૌભાંડ, સરકારી જગ્યામાં અનેક દુકાનો, મકાનો બનાવી વેચી દીધા, મામલતદાર જ શંકાસ્પદ
kush

 અટલ સમાચાર ડોટ કોમ, અંજાર


અંજાર તાલુકાના ગામમાં ચકચાર મચાવતુ અને ખૂબ જ ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. પંથકના સૌથી મોટા કૌભાંડમાં ગઠજોડથી સરકારી જમીનનું બારોબારીયુ કરી દીધાનો ઘટસ્ફોટ થયો છે. મોટા વિસ્તારમાં પડેલી ખુલ્લી જગ્યા ઉપર કાળો ડોળો નાખી સ્થાનિક ઈસમોએ ધોળા દિવસે દબાણની કામગીરી હાથ ધરી હતી. જેમાં તબક્કાવાર મકાનો, દુકાનો માટે બાંધકામ ઉભું કરી દીધું હતું. જેના વિરુદ્ધ ગામના વ્યક્તિએ મામલતદારથી માંડી કલેક્ટર સુધી અરજી કરી હતી. આ સાથે શંકાસ્પદ નોંધ નંબર બાબતે પણ કચ્છ કલેક્ટર અને અંજાર કોર્ટમાં રજૂઆત થઈ હતી. જોકે અરજદારે લેન્ડ ગ્રેબિગના કાયદા હેઠળ ફરિયાદ આપતાં હુકમ થયો છે. કચ્છ કલેક્ટરે બે આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકને વિગતો મોકલી આપી છે. 

kush


કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના વરસામેડી ગામે અત્યાર સુધીના સૌથી મોટા જમીન કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. કેટલાક વર્ષ અગાઉ ગામમાં આવેલી સરકારી માલિકીની કિંમતી જમીન ઉપર કેટલાક ઈસમોએ ગેરકાયદે કબજો કરી દબાણ ઉભું કર્યું હતું. જેમાં કેટલીક દુકાનો બનાવી વેચાણ પણ કરી દીધી, તો વળી મકાનો પણ બનાવ્યા હતા, આ પછી પણ અનેક દુકાનો બનાવી વેચાણ આપી દીધી હતી. જેની જાણ થતાં ગામના જ જગાભાઇ પચાણભાઇ રબારીએ મોજે વરસામેડી તા. અંજારના સર્વે નંબર 531/2 ઉપર બે ઈસમોએ કબજો કર્યાની રાવ કરી હતી.

 

 kush 4

શરૂઆતમાં મામલો અંજાર મામલતદાર સુધી આવ્યો પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહિ. સરકારી માલિકીની જમીન ઉપર કબજો છતાં કાર્યવાહી નહિ થતાં અંજાર મામલતદારે મોટી રકમ લીધી હોવાનો સનસનીખેજ આક્ષેપ કરતી અરજી થઈ હતી. આ દરમ્યાન સર્વે નંબર 531/2 વાળી જમીનમાં હક્ક પત્રકે દાખલ નોંધ નંબર 462 સામે કચ્છ કલેક્ટરની કોર્ટમાં અને સિનિયર જજ અંજારની કોર્ટમાં કેસ દાખલ થયેલો છે. જોકે અરજદારે લેન્ડ ગ્રેબિગ અંતર્ગત કાર્યવાહી માટે રજૂઆત કરતાં કચ્છ કલેક્ટરની અધ્યક્ષતામાં ગત 14 ડીસેમ્બરે બેઠક મળી હતી.


સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લા કમિટીની મિટિંગમાં નક્કી થયું કે, સામેવાળા ઈસમોએ સરકારી માલિકીની જમીન ઉપર ગેરકાયદે કબજો કરી પાકા મકાનો તથા દુકાનો બનાવી સરકારી માલિકીની જમીન પચાવી પાડી છે. આ જમીનનો ગેરકાયદેસર ઉપયોગ કરી આર્થિક લાભ મેળવતાં હોઇ સામેવાળા રામુ જીવા રબારી અને ખોડા બધા રબારી વિરુદ્ધ લેન્ડ ગ્રેબિગના કાયદા હેઠળ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકને કહેવામાં આવ્યું છે. પોલીસ ફરિયાદ થવાની સંભાવના ઉભી થતાં લાખોની રકમ આપી જાણ્યા જોયા વગર સરકારી જમીન ગેરકાયદેસર વેચાણ રાખનાર દુકાનદારો અને મકાનના રહીશોની હાલત કફોડી બની છે. 

kush 3
 

મામલતદાર વિરુદ્ધ  પ્રલોભનનો આક્ષેપ  


ખૂબ મોટા વિસ્તારમાં નજર સમક્ષ દેખાતો પુરાવો છતાં સરકારી જમીન ઉપર અનેક દુકાનો અને મકાનો કેવીરીતે ઉભા થઇ ગયા? ઉભા થયા બાદ કેવી રીતે વેચાણ થઈ ગયા? વેચાણ બાદ આટલા વર્ષો સુધી કેવીરીતે સરકારી જમીન પચાવી રાખી તે સવાલ સૌથી વધુ તપાસ માંગી રહ્યા છે. આ બાબતે ગામલોકો અને આસપાસના વિસ્તારમાં એવી ચર્ચા છે કે અંજાર મામલતદારે કોઈ કાર્યવાહી નહિ કરવા  મસમોટી રકમ લીધી હશે.  આ બાબતના આક્ષેપો કરતી અને તપાસની માંગ કરતી અરજી કચ્છ કલેક્ટરને પણ લખવામાં આવી છે.

આ બાબતે શું બોલ્યા મામલતદાર ?

સરકારી જમીન ઉપર દબાણ સામે કાર્યવાહી બાબતે અંજાર મામલતદાર એ.બી.મંડોરીએ જણાવ્યું હતુ કે, કોર્ટ મેટર ચાલતી હોવાથી નિયમોઅનુસાર થઇ રહ્યું છે. ગામ લોકોના આક્ષેપો પાયા વિહોણા છે.


2 ઈસમોએ સરકારની જમીનનું બારોબારીયુ કરી કરોડોની કમાણી કરી લીધી


અરજદારની રજૂઆત જોતાં અંજાર તાલુકાના વરસામેડી ગામનાં જ 2 ઈસમોએ ગણતરીના વર્ષોમાં આખા ગામની નજરે ધોળા દિવસે સરકારી જમીન ઉપર વારાફરતી અનેક દુકાનો ઉભી કરી દીધી. આ પછી અનેક મકાનો પણ ઉભા કરી મોટું સામ્રાજ્ય ખડું કર્યું હોય તેવી પરિસ્થિતિ બની હતી. આમ કરીને બંને ઈસમોએ લાખો કરોડોની કમાણી કરી લીધી હતી.