હડકંપ@ગુજરાત: માથું કપાયેલી હાલતમાં મળ્યો યુવકનો મૃતદેહ, પ્રેમ પ્રકરણ કારણભૂત
અટલ સમાચાર, ડેસ્ક
ખેડાનાં વસો પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. ટુંડેલ ગામે જૂની રેલવે લાઈન પાસેના ઝાડી ઝાંખરામાંથી સંધાણાના પરણીત યુવાનનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. મરણજનારનું માથું કાપી અજાણ્યા હત્યારાઓએ આ યુવાનની હત્યા કરી છે. પોલીસને હત્યા કરાયેલી હાલતમાં બોડી મળી પણ માથાના ભાગ હજી પણ મળ્યો નથી. આ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.
ખેડા જિલ્લાના ટુંડેલ ગામ પાસે આજે શુક્રવારે યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ ટુંડેલ ગામની સીમમાં જૂના રેલવે લાઈન પાસેના ઝાડી ઝાંખરામાં મળી આવ્યો હતો. પશુપાલકોએ આ મૃતદેહને જોતા તાત્કાલિક સ્થાનિક વસો પોલીસને જાણ કરી હતી. આ બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પહોંચેલી પોલીસે સ્થળ પર નિરિક્ષણ કરતા મરણજનારની બોડી હતી પણ માથાનો ભાગ હાજર નહોતો. આ માથાનો ભાગ કોઈ અજાણ્યા વ્યક્તિએ ધારદાર હથિયારથી કાપી દીધો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ નજર પડતાં પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસે સ્થળ પરથી એક બિનવારસી મોટર સાયકલ નંબર કબ્જે લઈ તપાસ હાથ ધરી મરણજનારના યુવાનની ઓળખ છતી કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં પોલીસને સફળતા મળી હતી. આ મરણજનારનું નામ પરેશ વિનુભાઈ ગોહેલ (રહે.સંધાણા, તા.માતર) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મૃતકના પરિવારજનોને બોલાવી ઓળખ કરાવતાં આ પરેશ વિનુભાઈ ગોહેલનો મૃતદેહ હોવાનું જણાવ્યું હતું. મરણજનાર યુવાનના માથાનો ભાગ નહીં મળતાં પોલીસે વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. વસો પોલીસ, Dysp, LCB, SOG જિલ્લા એસ.પી. સહિતની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત FSL, ડોગ સ્કવોડ સહિતની ટીમો સ્થળ તપાસ કરી હત્યા અને માથાનો ભાગને શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં આ સમગ્ર હત્યાના મામલે તપાસ હાથધરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
શું કહ્યું પોલીસે ?
ડીવાયએસપી વી.આર.બાજપાયે જણાવ્યું હતું કે, મરણજનાર યુવાન પરેશ ગોહેલ પોતે પરણીત છે અને ટુંડેલ ગામે તેની સાસરી થાય છે. હાલ મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપવામાં આવ્યો છે અને માથાના ભાગની શોધખોળ આદરવામાં આવી છે. તો વળી યુવાને પહેરેલ સર્ટ પણ નહોતું તો આ માથાનો ભાગ સર્ટમાં મૂકી લઈ જઈ ગયો હોવાનું અનુમાન છે.

