ખળભળાટ@વડોદરા: ફોરેસ્ટના ક્લાસ વન અધિકારીના દલાલો 1 લાખની લાંચ લઈ દોડ્યા, એસીબીએ દબોચ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ગોધરા
રાજ્યમાં એસીબીએ યુદ્ધના ધોરણે અને મજબૂત રીતે કામગીરી હાથ ધરી તેમાં આજે ગોધરા એસીબી પોલીસે કાબીલેદાદ કામગીરી કરી છે. વનવિભાગ/પર્યાવરણના ક્લાસ વન અધિકારીની કચેરીના એક બે ટેન્ડરમાં કામગીરી બાદ કોન્ટ્રાક્ટરને બિલનાં નાણાં લેવાના હતા. જોકે કોન્ટ્રાક્ટરે નાણાંનો ચેક આપવામાં નાયબ વન સંરક્ષક આડોડાઇ કરતાં હતા. આખરે દલાલો મારફતે ચેક આપવા સામે 6 લાખની લાંચ માંગી હતી. જોકે કોન્ટ્રાક્ટર લાંચ આપવા ઇચ્છતા ના હોવાથી ગોધરા એસીબીને ફરિયાદ કરી હતી. જેમાં છટકાનુ આયોજન થતાં 2 દલાલો/વચેટિયા હાલોલ નજીકની કેનાલ પાસે ચેક આપી 1 લાખ લેવા આવ્યા હતા. આ દરમ્યાન કોન્ટ્રાક્ટર પાસેથી 1 લાખની માંગણી કરી રોકડ લઈ નિકળી ગયા હતા. આ પછી રોકડ એક લાખ દલાલે પોતાના બેંક ખાતામાં જમા પણ કરાવી દીધા હતા. જોકે એસીબીએ સમગ્ર મામલે ગઈકાલે ટ્રેપ ગોઠવી આદરેલી તપાસને અંતે 2 દલાલોને ઝડપી લીધા હતા. આ પછી નાયબ વન સંરક્ષકને ઝડપી લેવા ધોરણસરની તજવીજ હાથ ધરી છે.
ગોધરા એસીબી પોલીસે કાલોલ કેનાલ પાસે મંગળવારે હાથ ધરેલી કાર્યવાહીમાં આખરે મોટી સફળતા મેળવી છે. ઘટના જાણે એમ છે કે, વડોદરા ખાતેની સરદાર સરોવર નર્મદા નિગમ લીમીટેડ સંબંધિત ૫ર્યાવરણ એકમ બ્લોક-એ ત્રીજા માળની નર્મદા નહેર ભવનના નાયબ વન સંરક્ષકે જુદી જુદી સાઇડોમાં વનિકરણની કામગીરી માટે ટેન્ડર કર્યું હતુ. જેમાં એક્ઝિક્યુટિવ એન્જીનીયર પાનમ ઇરીગેશન ડીવીજન ગોઘરા નં. PID/AB/TC/3709/2022 થી રીન્યોઅલ થયુ હતુ. આ નામથી ભરેલ ટેન્ડર મંજુર થતાં નાયબ વન સંરક્ષકે બોડેલી નર્સરીથી કાલોલ નર્મદા મુખ્ય નહેર સેનેજ ૧૬૦.૦૦૦ કિ.મી. થી ૧૧૮.૦૦૦ સુઘી રોપા વાવેતર તેમજ ગાંડા બાવળો દૂર કરી સાફ સફાઇની કામગીરી માટે વર્ક ઓડર કર્યો હતો. આ ટેન્ડર સાથે વર્ષ દરમ્યાન પાણી પીવડાવવાની કામગીરી, ક્યારા કરવાની કામગીરીનુ ટેન્ડર પણ મંજૂર થયું હતુ. જોકે વર્ક ઓર્ડરની નકલ આપી નહોતી. આ પછી થયેલ તમામ કામો પૂર્ણ થતાં કોન્ટેક્ટરે જુદા જુદા બિલો નાયબ વન સંરક્ષક સમક્ષ મૂક્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બિલના નાણા માટે નાયબ વન સંરક્ષક વી.એસ તોડકર કોન્ટ્રાક્ટરને વારંવાર ધક્કા ખવડાવતા હતા. આ દરમ્યાન બિલના નાણાં પેટે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ લેવા નાયબ વન સંરક્ષક તોડકરે પોતાના દલાલ અનિલ ગોબરભાઇ રૈયાણી મારફતે રૂપિયા 6 લાખની માંગણી કરી હતી. આ લાંચ કોન્ટ્રાક્ટર આપવા માંગતા ના હોવાથી ફરીયાદ આધારે ગોધરા એસીબીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતુ. આથી તા.૨૫/૪/૨૦૨૩ના રોજ કાલોલ નર્મદા નહેરના બાકરોલ રેલવે ફાટક પાસેના પુલ નજીક નાયબ વન સંરક્ષક તોડકરનો દલાલ અનિલ રૈયાણી આવ્યો અને કોન્ટ્રાક્ટર પાસેથી રૂપિયા એક લાખ સ્વીકારી તેની સામે ચેક આપી રવાના થઈ ગયો હતો. આ પછી લાંચની રકમ રાકેશ દાનજીભાઇ ચૌહાણ નામના બીજા દલાલના બેંક ખાતામાં જમા કરાવ્યા હતા. બંને દલાલો એકબીજાના મેળાપી૫ણામાં તેમના ફોર વ્હીલર વાહનમાં જતાં રહ્યા પરંતુ ગોધરા એસીબીએ ખાનગી તેમજ સરકારી સોર્સથી બંન્ને દલાલોને ડીટેઇન કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જ્યારે નાયબ વન સંરક્ષક તોડકરને પકડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.