ઘટસ્ફોટ@મોડાસા: ફટાકડાની ફેક્ટરીમાં આગનું કારણ આવ્યું સામે, 4 લોકોનાં મોત, 15 કલાકે આગ કાબૂમાં આવી

 
Modasa Fire

અટલ સમાચાર, મોડાસા

મોડાસાના લાલપુરકંપા પાસે ગઇકાલે ફટાકડાની એક ફેક્ટરી ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં 4 મજૂરો જીવતા ભૂંજાયા હતા. હવે ફટાકડા ફેક્ટરીમાં આગ અંગે મોટો ખુલાસો થયો છે. ઘટનામાં હેમખેમ બચેલા પ્રત્યક્ષદર્શીનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં ટેસ્ટિંગ વખતે ફટાકડામાં બ્લાસ્ટ થયો હતો. બીજા બ્લાસ્ટ બાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. આગનો ધુમાડો થતા દેખાવવાનું બંધ થઈ ગયું હતું. 

અરવલ્લીનાં મોડાસાના લાલપુરકંપા પાસે ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ મામલે પ્રત્યક્ષદર્શીના કહેવા પ્રમાણે, મૃતક શ્રમિકો નવીન મકાનનું કામ કરતા હતા. વિસ્ફોટ અને આગની ઘટના બાદ મોડાસા, ગાંધીનગર, ઇડર, પ્રાંતિજ, વડાલીના ફાયર ફાઇટર્સે કામગીરી હાથ ધરી હતી. જે વહેલી સવાર સુધી ચાલી હતી અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ થયો હતો. જ્યારે ફટાકડાની ફેક્ટરીમાં આગ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગોડાઉન માલિક અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે માનવ વધનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં આરોપીઓને પકડવા માટેની પોલીસની કાર્યવાહી ચાલુ છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, મોડાસા નજીક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા 4 લોકોના મોત થયા હતા. ફટાકડા ગોડાઉનના માલિક પાસે ફાયર એનઓસી અને અગ્નિશામકના સાધનો અંગે પણ તપાસ કરાશે. જોકે અરવલ્લીમાં ફટાકડા ફેક્ટરીમાં આગ કાબૂમાં લેવાઇ છે. હજુ પણ ફાયરની એક ટીમ સ્થળ પર તહેનાત છે. 15 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો છે. આગમાં 8 કાર, 15 બાઈક, 2 ટ્રક બળીને ખાખ થઇ ગયા છે.