સરસ@મહેસાણા: મુખ્યમંત્રી બન્યા લાગણીશીલ, ભાગીને થતાં લગ્નમાં માતાપિતાને હક આપવા તૈયાર બતાવી
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
છેલ્લા કેટલાય દિવસોની તડામાર તૈયારીઓને અંતે લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પાટીદાર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન થયો છે. જોકે સમગ્ર કાર્યક્રમમાં ઉડીને આંખે વળગે તેવી એક વાત સામે આવી કે, સમાજનાં પ્રસંગમાં મુખ્યમંત્રી લાગણીશીલ બન્યા અને સમાજની વાતને વાચા આપી હતી. રાજ્યમાં ભાગીને થતાં લગ્ન બાદ ઉભા થતાં વિવાદ અને કાયદાકીય સંઘર્ષ તેમજ માતાપિતાની લાચારી સહિતની ઉપાધિઓ સમજી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવકારદાયક નિવેદન આપી એક મોટી આશા જગાવી છે. મુખ્યમંત્રીએ સમાજના દિગ્ગજ આગેવાનોની હાજરીમાં જણાવ્યું હતું કે, ભાગીને થતાં લગ્ન મામલે સંવિધાનની મર્યાદામાં રહીને જોગવાઈ થતી હશે તો માતાપિતા માટે રાહતરૂપ જોગવાઈ કરવામાં આવશે. સરદાર પટેલ સેવાદળ દ્વારા આયોજિત ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતેના કાર્યક્રમમાં આ વાતને સૌએ વધાવી લીધી હતી.
મહેસાણા નજીક પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરી સેવાનુ ઉત્તમ ઉદાહરણ પણ પૂરું પાડવામાં આવ્યું હતુ. આ પ્રસંગે લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટીદાર સમાજના સેવાકાર્યોને બિરદાવી સમાજને જ્યાં જ્યાં મુશ્કેલી ઉભી થશે ત્યાં સરકાર સાથે રહેશે તેમ કહીને એક સૌથી મોટી આશા અપાવી હતી. છોકરીઓને ભગાડી જવાના કિસ્સાઓ અટકાવવા બાબતે મુખ્યમંત્રીએ એક ચોક્કસ વ્યવસ્થા ઉભી કરવાની હૈયાધારણ આપી હતી. આ બાબતે ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતુ કે, આ વિષયમાં અભ્યાસ કરી સારૂં રિઝલ્ટ મળી શકે તેવા પ્રયત્નો જરૂર કરીશું.
આ દરમ્યાન ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતુ કે, હાલમાં દીકરીઓ બાબતે બે પ્રકારના પ્રશ્નો ચાલી રહ્યા તેમાં એક લવજેહાદનો પ્રશ્ન ખૂબ ગંભીર છે. હિન્દુ ધર્મની દીકરીઓને લલચાલી ફોસલાવી વિધર્મીઓ ખોટું નામ અને ધંધો બતાવી છેતરપિંડી કરી ભગાડી જાય છે. આ પછી ધર્મ પરિવર્તન માટે દબાણ સહિત અનેક યાતનાઓ આપે છે. નિતીન પટેલે ઉમેર્યું હતુ કે, જ્યારે બીજો એક પ્રશ્ન આપણાં જ લોકો દીકરીઓને ભોળવીને ભગાડી લગ્ન કરી લે અને મા બાપને જણાવતાં પણ નથી. આથી પરિવારની સમંતિ લીધા વિના ભાગી જાય પછી મુશ્કેલીઓ પણ આવતી હોય છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, લગભગ બધા સમાજે સરકારમાં વિવિધ સ્ત્રોત મારફતે વાત રજૂ કરેલી છે કે, આ બાબતે માતાપિતાને કંઈક હક મળે અથવા માતાપિતાની મંજૂરી પછી લગ્ન થાય. ભાગીને થતાં લગ્ન અટકાવવા દરેક સમાજે સરકારમાં રજૂઆત કરી હોઈ હાલમાં આ સામાજિક પ્રશ્ન ખૂબ અગત્યનો હોઈ મુખ્યમંત્રી પણ સમાજના પ્રસંગમાં ભાવવિભોર બની સમાજના દુઃખમાં પોતે શક્ય એટલી મદદની ભાવના ધરાવતાં હોવાનુ નિવેદન મારફતે જણાવવા પ્રયત્નશીલ બન્યા હતા.