રિપોર્ટ@ગુજરાત: નવા વાહનને નંબર પ્લેટ સાથે આપવાના પરિપત્રને 36 વાહન ડીલર્સે હાઇકોર્ટમાં પડકાર્યો, જાણો વધુ

અટલ સમાચાર, ડેસ્ક
નવા વાહનને નંબર પ્લેટ સાથે આપવાના પરિપત્રને પડકારવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા વાહન ડીલર્સને RTOની કામગીરી સોંપવાના પરિપત્ર વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. હાઈકોર્ટમાં અરજી દ્વારા પરિપત્રના અમલ પર સ્ટે માગવા દાદ મંગાઈ છે. અમદાવાદ અને કલોલના 36 વાહન ડીલર્સે હાઈકોર્ટમાં અરજી કરી છે.
અરજદારના જણાવ્યા અનુસાર, RTO દ્વારા ડીલર્સ પર જવાબદારી નાખી દેવાઈ, જે અયોગ્ય અને અન્યાયકારી છે. અમારી પાસે સરકારની જેમ દસ્તાવેજોની ખરાઈ કરવાની વ્યવસ્થા નથી. પબ્લિક પાસેથી ટેક્સ વસૂલીને કામગીરી ડીલર્સને માથે નાંખી શકાય નહીં. બિન તાલીમાર્થીઓના માથા પર જવાબદારી નાખી શકાય નહીં. ડીલરોની અરજી પર હાઈકોર્ટે ટ્રાન્સપોર્ટ કમિશનર અને RTOને નોટિસ પાઠવી છે. જ્યારે આ મામલે 21 સપ્ટેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.
નોંધનીય છે કે, વાહનના નંબર પ્લેટ અંગેનો નવો નિયમ સામે આવ્યો છે. હવેથી નવા વાહનોમાં ટેમ્પરરી નંબર આપવામાં આવશે નહીં. વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ વાહનનો નંબર આપીને જ વાહન આપવામાં આવશે. આ નંબર કઢાવવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલર જ કરશે. તમારે હાઈસિક્યુરિટી નંબર પ્લેટ આવ્યા બાદ પ્લેટ લગાવવા માટે આરટીઓમાં લાઈનમાં ઉભા રહેવું નહીં પડે. 2019 બાદના નવા વાહનોમાં હાઈસિક્યુરીટી નંબર પ્લેટ માટે ડિલરોને આ અંગેની કામગીરી સોંપાઈ હતી.
પહેલા વાહન ખરીદી કર્યા બાદ ટીસી નંબર આપી વાહન આપી દેવામાં આવતું હતું. ત્યાર બાદ નંબર પ્લેટ તૈયાર થઇને આવે ત્યાર બાદ વાહનમાં નંબર પ્લેટ લગાવવા જવું પડતું હતું. તેમજ જૂના વાહનમાં નંબર પ્લેટ બદલવાની હોય તો આરટીઓ ખાતેના સેન્ટર પર જવું પડતું હતું પરંતુ ખાનગી કંપનીનો કોન્ટ્રાક્ટ પુરો થતાં હવે ડિલરોને આ કામગીરી સોંપવામાં આવી છે.
વાહનનું રજીસ્ટ્રેશન થયા બાદ તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને નંબર સાથે વાહન આપવામાં આવશે. નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલરે જ કરવાની રહેશે. તમામ ડેટા ડિલરોએ આરટીઓને આપવા માટે સૂચન કરાયું છે. જોકે ડિલર એસોસિએશન વિરોધ કરી રહ્યું છે.