અસર@નર્મદા: જ્ઞાન વગરની વાતો કરતાં ડીપીઓ પાસેથી કલેક્ટરે મંગાવ્યો રિપોર્ટ, બાયોગેસ ક્યાંથી આવ્યો

 
Narmada

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

નર્મદા જિલ્લામાં આયોજનની ગ્રાન્ટમાં કામની પસંદગી સાથે હવે અજ્ઞાન વિરુદ્ધ જ્ઞાનનો મામલો ઉભરી આવ્યો છે. આયોજન અધિકારી કહે છે કે, કોઈ કમિટી કે સભ્યો હોતા નથી, જ્યારે કલેક્ટર મેડમે કહ્યુ કે, આખી એક કમિટી હોય છે અને સદર વિવાદ મામલે હકીકતલક્ષી અહેવાલ મંગાવવામાં આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ ધોરણસરના પગલાં ભરવામાં આવશે. આ વિવાદ ત્યારે બહાર આવ્યો કે જ્યારે આખા ગામને ખબર પડી કે, સદર ગ્રાન્ટમાં કરોડોની રકમ એક જ કામ માટે ફાળવી તે કામ કોણે પસંદ કર્યું? આયોજન અધિકારી શશાંક પાંડેની ભૂમિકા જોતાં ગ્રાન્ટનો ખર્ચ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.

નર્મદા જિલ્લામાં સાગબારા અને ડેડિયાપાડા તાલુકામાં મસમોટી ગ્રાન્ટમાં જે કામની પસંદગી થઈ છે તે વિવાદમાં આવી છે. વિકાસશીલ તાલુકા હેઠળની કરોડોની ગ્રાન્ટ બોરવેલ માટે જરૂરી છે અને બાયોગેસ માટે ખર્ચ કરવામાં આવતી હોવાનું ધ્યાને આવતાં ધારાસભ્ય વસાવાએ સીધી જ મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે. આ ગ્રાન્ટ ક્યાં વાપરવી, કયા કામમાં વાપરવી તે બાબતે ચોક્કસ જોગવાઈ છે અને આખી કમિટી તેની નિર્ણય પ્રક્રિયામાં આવતી હોય છે. જોકે અજ્ઞાન જેવી વાતો કરતાં ડીપીઓ શશાંક પાંડેએ જણાવ્યું કે, કોઈ સભ્યો કે કમિટી જેવું હોતું નથી. આ સાંભળીને ચોંકાવનારી સ્થિતિ બનતાં નર્મદા કલેક્ટરને પૂછતાં જણાવ્યું હતું કે, આખી કમિટી હોય છે પરંતુ ગ્રાન્ટ મામલે આયોજન અધિકારી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે, જે એકાદ બે દિવસમાં આવી જશે પછી જ ખ્યાલ આવશે. કાર્યવાહી બાબતે પૂછતાં કલેક્ટરે જણાવ્યું હતું કે, જો રિપોર્ટમાં ગેરરીતિ જેવું મળી આવશે તો ધોરણસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિકાસશીલ તાલુકાઓની ગ્રાન્ટ મામલે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ચોક્કસ આયોજન ગોઠવી ફાઇલ તૈયાર કરે છે. આ પછી પ્રભારી સચિવ અને પ્રભારી મંત્રી આખરી નિર્ણય લેતા હોય છે ત્યારે સવાલ એ થાય છે કે, બાયોગેસ માટે ગ્રાન્ટ ફાળવણી કરવી તે જિલ્લામાંથી ગયું નથી તો આ બાયોગેસનું શોધી કોણ લાવ્યું ? શું કોઈ મોટા કોન્ટ્રાક્ટર માટે બંને તાલુકામાં બાયોગેસ પ્લાન્ટનુ આયોજન કરવામાં આવ્યું છે? જોકે આ તમામ સવાલ કલેક્ટર સમક્ષ રજૂ થતાં રિપોર્ટમાં મળી આવશે.