ઠાકોર@બનાસકાંઠા: સમાજનું બંધારણ 11 મુદ્દામાં ઘડ્યું, પ્રસંગે ડીજે બંધ, સંગીતપ્રેમી યુવાનોને અસર

 
Thakor Samaj

અટલ સમાચાર, પાલનપુર 

ગુજરાતમાં દરેક સમાજનું અલગ-અલગ સામાજિક બંધારણ હોય છે. આ તરફ સમાજના વિકાસને લઈ આગોતરા આયોજન માટે પણ સમાજના આગેવાનો અને દરેક સમાજ દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોય છે. આ દરમ્યાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજે પણ નવી પહેલ શરૂ કરી છે. વિગતો મુજબ તાજેતરમાં ભાભરના લુણસેલા ગામમાં સંતશ્રી સદારામ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં સમાજના વિવિધ રીતિ રિવાજો અને સમાજ સુધારણાને લઈ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. 

ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજનો બહુ મોટો વર્ગ બનાસકાંઠા જિલ્લામાં છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના લુણસેલા ગામમાં સંતશ્રી સદારામ બાપાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. આ મહોત્સવમાં સમાજના વિવિધ રીતિ રિવાજો અને સમાજ સુધારણાને લઈ કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 

જેને લઈ સમાજ સુધારણા માટે 11 મુદાઓ પર પ્રતિજ્ઞા લેવડાવી છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાભરના લુણસેલ ખાતે ઠાકોર સમાજના સુધારા માટે 11 જેટલા મુદ્દાઓ પર અમલ કરવા માટે અપીલ કરવામાં આવી છે. ઠાકોર સમાજ દ્વારા કરવામાં આવેલ પહેલ અંતર્ગત લગ્ન પ્રસંગમાં DJ તેમજ સગાઈ અને લગ્ન પ્રસંગમાં મર્યાદિત લોકોએ જવા-આવવાનો મોટો નિર્ણય લેવાયો છે. આ સાથે મોબાઈલના કારણે સમાજ વધતી બદીને અટકાવવા અને દીકરીઓને મોબાઇલથી દૂર રહેવા માટે અપીલ કરાઈ છે. મહત્વનું છે કે, ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારાસમાજમાંથી કુરિવાજ દૂર કરવા માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. 

ઠાકોર સમાજ દ્વારા 11 મુદ્દા પર પ્રતિજ્ઞા  

1.લગ્ન પ્રસંગોમાં ડીજે ઉપર પ્રતિબંધ મુકવો

2.સગાઈ અને લગ્નમાં 11 લોકોએ જ જવું

3.જાનમાં મર્યાદામાં જવું, 51 લોકોએ જ જવું

4.ઓઢામણુ રોકડમાં આપવું

5.બોલામણું પ્રથા સદંતર બંધ 

6.કુંવારી દીકરીઓને મોબાઈલથી દૂર રાખવી

7.લોકોને વ્યશન મુક્તિ માટે અભિયાન ચલાવવું 

8.સગાઈ સગપણના તોડ પ્રથામાં દંડ શૈક્ષણિક સંકુલ અને સામાજિક કાર્યમાં વાપરવી. (ગુણ દોષ મુજબ દંડ )

9.લગ્ન પ્રસંગમાં દીકરીઓને જીવન જરૂરી અને મર્યાદિત પુરત આપવી

10.દરેક ગામ દીઠ સમૂહ લગ્નનું આયોજન કરવું, કુળ વાઇઝ સમૂહ લગ્નનું આયોજન કરવું

11. ગામડેથી અભ્યાસ અર્થ જતી દીકરીઓને અપડાઉન માટે દરેક ગામ લોકોએ ખાસ વ્યવસ્થા કરવી