રિપોર્ટ@સમી: ઠેકેદારે હાઈવે સરફેસ અધૂરો મૂક્યો, અનેક મહિનાઓથી કામ ઠપ્પ, શું કર્યું માર્ગ મકાને

 
Harij

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સમી રાધનપુર ચાર રસ્તાથી શંખેશ્વર તરફ જતો હાઇવે વાહનચાલકોને મુંઝવણમાં મૂકી રહ્યો છે. એકાદ વર્ષ પહેલાં તમો અહિંથી પસાર થતાં ત્યારે અને આજે જુઓ તો હજુપણ ખબર નથી પડતી કે, હાઈવેની કામગીરી થઇ છે કે નહિ. હકીકતમાં ઠેકેદારે સમી શંખેશ્વર હાઈવેની ચાલુ કામગીરી અચાનક પડતી મૂકી હતી ત્યારે વારંવાર નોટિસ જતી હતી. આખરે માર્ગ મકાન સ્ટેટ દ્વારા ઠેકેદારને ટર્મિનેટ કરી બાકી કામગીરી નવેસરથી કરવાનું નક્કી કર્યું છે. ઈજનેર એચ.ડી પટેલે જણાવ્યું કે, 20થી 25 ટકા બાકી કામ મામલે નવું ટેન્ડર કર્યું છે. જાણીએ સમગ્ર અહેવાલ.

પાટણ જિલ્લાના સમી થી શંખેશ્વર જતો હાઇવે અગાઉ ખૂબ જર્જરીત હતો ત્યારે રિસરફેસ કરવા કરોડોની રકમનું ટેન્ડર થયું હતુ. સરેરાશ 22 કિલોમીટરના માર્ગને રિસરફેસ કરવા ઠેકેદારે કામગીરી હાથ ધરી પરંતુ ખૂબ ધીમી ગતિએ આગળ ધરતાં માર્ગ મકાન સુચના આપી ચલાવતા હતા. આખરે 25 ટકા કામગીરી બાકી મૂકી છેલ્લા કેટલાય મહિનાઓથી ઠેકેદારે કામ પડતું મૂકી દીધું હતુ. આ પછીથી સરેરાશ 6-8 મહિનાથી સમી શંખેશ્વર હાઈવેની કામગીરી અધૂરી પડી છે. હવે અત્યારે વરાણા મેળામાં માનવ મહેરામણ આવી રહ્યું ત્યારે સમી શંખેશ્વરની અધુરી કામગીરી અનેક સવાલો ઉભા કરે છે. નીચેના ફકરામાં વાંચો શું કહે છે માર્ગ મકાન સ્ટેટ

સમગ્ર મામલે હારીજ સ્થિત માર્ગ મકાન સ્ટેટના ઈજનેર હિતેશભાઈ પટેલને પૂછતાં જણાવ્યું કે, ઠેકેદારે કામગીરી અધૂરી મૂકતાં ટર્મિનેટ કરી ડિપોઝિટ જપ્ત કરી છે. હવે બાકીની કામગીરી મામલે નવું ટેન્ડર કર્યું હોવાથી આગામી સમયે કામગીરી શરૂ થશે. જોકે આવી સ્થિતિમાં ઠેકેદાર એજન્સી હજુસુધી બ્લેક લિસ્ટ થઇ છે કે કેમ તે સ્પષ્ટ નથી. આટલુ જ નહિ, સમી શંખેશ્વર હાઈવેની કામગીરી જે તબક્કે અને જે રીતે અધૂરી છે તેમાં અત્યંત વિલંબને કારણે અનેક જગ્યાએ જોખમી સ્થિતિના પણ સવાલો છે. જૂની કામગીરીનો ખૂબ સમય વીત્યા બાદ આજે હાઇવેની બંને સાઇડે મોટા બાવળો કબજો વધારી રહ્યા છે. નવી એજન્સી જે કામગીરી કરશે તેટલા પૂરતી તેની જવાબદારી બનશે પરંતુ જૂની કામગીરીમાં ઉભી થતી ક્ષતિ મામલે જવાબદારી અને અમલવારી સૌથી મોટો સવાલ ઉભો કરે છે.