ચકચાર@ડીસા: બંધ મકાનમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવકની લાશ મળી, પરીજનો શોકમગ્ન
અટલ સમાચાર, ડેસ્ક
બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર એક મૃતદેહ મળી આવ્યો છે. વિગતો મુજબ ડીસામાં બનાસ નદીના પટ પાસે પટેલવાડી પાસે એક બંધ મકાનમાં આજે એક યુવકની લટકતી લાશ મળી આવી છે. ઘટનાને લઈ પોલીસે મૃતકના સગાની ફરિયાદના આધારે હાલ અકસ્માતે મોત અન્વયે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસાના બનાસ નદી પાસે આવેલ પટેલ વાડી પાસે એક મકાનમાં યુવકની લોખંડની ગ્રીલ સાથે કપડું બાંધીને ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ અંગેની જાણ થતા જ ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં એક યુવકની આત્મહત્યા કરેલ લાશમાંથી અતિશય દુર્ગંધ મારતી હોવાથી ત્રણ ચાર દિવસ અગાઉ આપઘાત કર્યો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક નરેશ ઉર્ફે પપુડો દશરથભાઈ સોલંકી હોવાનું બહાર આવ્યું છે. જેને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો કઈ આત્મહત્યા કરી હોવાનું પોલીસનું માનવું છે. આ અંગે પોલીસે મૃતકના સગા દીપકભાઈ પરમારની ફરિયાદના આધારે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી લાશને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.