બનાવ@રાજકોટ: દારૂ પીધેલા પોલીસકર્મીએ જ સર્જ્યો અકસ્માત, કિશોરી માંડ-માંડ બચી
અટલ સમાચાર, ડેસ્ક
રાજકોટમાં ખુદ એક પોલીસકર્મીએ જ અકસ્માત સર્જ્યો હતો અને ત્યાર બાદ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ સમયે તે લોકોની ઝડપે ચડી ગયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગેટ પાસે અકસ્માત સર્જ્યો હતો. યુનિવર્સિટીના ગેટ પાસે સાયકલ લઈને જઈ રહેલી 17 વર્ષીય કિશોરીને પોલીસકર્મીની કારે અડફેટે લીધી હતી.
અકસ્માત સર્જનાર પોલીસ કર્મચારી ભુજ પોલીસના વાયરલેસ વિભાગમાં ફરજ બજાવતા લક્ષ્મીનારાયન વ્યાસ હોવાનું સામે આવ્યું છે. પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાનું અકસ્માતમાં ભોગ બનનાર અને અકસ્માત જોનાર લોકોએ આક્ષેપ કર્યો હતો. ફરિયાદમાં પણ ભોગ બનનારના ભાઈએ પોલીસકર્મી નશાની હાલતમાં હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
ફરિયાદીએ તો એવો પણ આક્ષેપ કર્યો હતો કે, સ્થાનિક લોકોએ આ પોલીસકર્મીને માર માર્યો હતો. જોકે, બાદમાં લોકોએ તેને છોડી મૂક્યો હતો. આ પોલીસકર્મી નશાની હાલતમાં એવું પણ જણાવી રહ્યો હતો કે, તેનો કોઈ દોષ નથી. જોકે, સદનસીબે કિશોરીને સામાન્ય ઇજા પહોંચી હતી. આ કાર જે સાયકલ સાથે અથડાય તે સાયકલનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ઘટનામાં યુવતીનો જીવ બચ્યો છે અને યુવતીના પરિવારજનોએ પણ કુદરતનો આભાર માન્યો હતો.
આ સમગ્ર મામલે પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે આરોપીની અટકાયત કરી છે. કિશોરીના પરિવારજનોએ આરોપી પોલીસકર્મી સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને તે સસ્પેન્ડ થાય તેવી તેમની માગ કરી છે. જે બાદ આરોપી સામે 308, 337,279 સહિતની કલમો લગાડવામાં આવી છે.