રિપોર્ટ@સ્માર્ટસીટી: દબાણ હટાવની અસર ચોંકાવનારી, અનેક રોજગારી સમાપ્ત, વેપારીઓને અકલ્પનીય....

 
Dahod
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દાહોદ હવે તેના સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યું પરંતુ સ્માર્ટ થવાની રાહમાં મેગા ડિમોલેશનનો આખો ઘટનાક્રમ દોડધામ મચાવી રહ્યો છે. ગણતરીના દિવસોમાં અને ખૂબ જ આયોજનબદ્ધ તંત્રએ દબાણો દૂર કર્યા તેની અસરો ચોંકાવનારી બની છે. મોટાપાયે અને મહાકાય દબાણો દૂર થતાં વેપારી આલમમાં એટલા હદે ફટકો પડ્યો કે, બાકીના મેગા ડિમોલેશનમા બ્રેક લાગે પરંતુ તેમાં પાલિકાના સત્તાધીશો પણ ખાસ ઉકાળી શક્યા નથી. આવા સંજોગોમાં વહીવટીતંત્ર સમક્ષ વેપારી આલમની સ્થિતિ ક્યાંક સહન કરવાની, ક્યાંક ભોગવી લેવાની, ક્યાંક ઉભા થવાની અથવા તો કોઈ રસ્તો શોધવાની બનતી રહી છે. જોકે તંત્રની કાયદેસરની કાર્યવાહી અને છેવટે દાહોદને સ્માર્ટ કરવાના પ્રોજેક્ટમાં જે દબાણો દૂર થયા તેમાં રોજગારી અને કલ્પના બહારનો ફટકો કેટલી હદે અસર કરે તે સમજીએ.
Dahod
દાહોદ શહેર સ્માર્ટ બને તે માટે વિવિધ પ્રોજેક્ટ પૈકી દબાણો ઉપર જે રીતે બુલડોઝર ફરી વળ્યું અને મોટા બિલ્ડીંગ તોડી પાડવામાં તેની તાત્કાલિક અને લાંબા ગાળાની અસરો ચોંકાવનારી છે. વેપારી આલમના સૂત્રો મુજબ, સરેરાશ 2 હજાર રોજગારી સમાપ્ત થઈ અને અંદાજીત 500 સ્વરોજગારને અકલ્પનીય ફટકો પડ્યો છે. દબાણ હટાવતાં જે બાંધકામ દૂર થયાં તેમાં દરેક વેપારીને અલગ અલગ અસરો ઉભી થશે પરંતુ હવે સૌથી મોટો સવાલ ઉભા કઈ રીતે થવું તેની મુંઝવણ છે.
Dahod
સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પૂરપાટ ઝડપે દોડશે પરંતુ અસરગ્રસ્ત વેપારીઓ કેટલા સમયે અને કેવીરીતે ઉભા થશે તેની કોઈ ગતિ નથી. વેપારી આલમમાં ચાલતાં ગણગણાટ મુજબ, અનેક સ્વરોજગારની દશા અને દિશા બદલાઈ ગઈ અને તેનાથી ઉભા ક્યારે થશે અથવા થશે કે કેમ તે પણ મોટો સવાલ છે.
Dahod
સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ દબાણ હટાવવામાં આવે તેને વેપારીઓનો સહયોગ હોય પરંતુ કોનું કેટલું દબાણ દૂર થશે?, દબાણની રોજબરોજના ધંધાને અસર, વૈકલ્પિક વ્યવસ્થા, ઉભા થવા ગોઠવણ કેવી અને ક્યારે કરવી તેનું કોઈ આયોજન નહિ થતાં દોડધામ મચી છે. હાલના મેગા ડિમોલેશન એટલે કે, દબાણ હટાવની કામગીરીથી ભારે કોલાહલ વચ્ચે પાલિકા પ્રમુખે ઝંપલાવ્યું પરંતુ રીનાબેન પંચાલ અને તેમની ટીમના કાગળો પરિણામથી દૂર રહ્યા છે. બીજી તરફ વેપારી એસોસિયેશનના અગ્રણીઓએ પણ મોટાં ગજાના નેતા મારફતે ગાંધીનગર સુધી અવાજ પહોંચાડવા ક્વાયત કરી પરંતુ ફળદાયી નથી રહી. તંત્રની તબક્કાવાર દબાણ હટાવની ઝુંબેશથી મોટા વેપારી અને નાના વેપારી એક બની ભારે ચિંતનમાં એકાગ્ર બન્યા છે.