ખળભળાટ@ડીસા: લાંચમાં અત્યાર સુધીની સૌથી મોટી ઘટના, મહિલા સરપંચ સહિત આખો પરિવાર ઝડપાયો

 
Deesa ACB

અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર

એન્ટી કરપ્સન બ્યુરો દ્વારા ગુજરાતમાં અત્યારે લાંચિયા વિરૂદ્ધ જબરજસ્ત કાર્યવાહી ચાલી રહી છે. અઠવાડિયામાં એકાદ બે ભ્રષ્ટાચારી પકડાઇ રહ્યા છે પરંતુ આજે બનાસકાંઠા જિલ્લામાં લાંચની એક સફળ ટ્રેપ સૌથી મોટી અને ચોંકાવનારી છે કે તમે કલ્પના કરતાં હચમચી જશો. ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વતી તેમના પતિ લાંચ લેતા જતાં થયેલ ઘટનાક્રમ આધારે એસીબીએ સમગ્ર પરિવારને આરોપી બનાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા સરપંચની રોડના કોન્ટ્રાક્ટરને ચૂકવણી સામે લાંચની માંગણી થવી અને લાંચના નાણાં વતી વતી સ્વિકારવાની મિનિટોની ઘટનામાં મહિલા સરપંચ, પતિ, પુત્ર અને ભત્રીજા સહિત 4 વિરૂદ્ધ બનાસકાંઠા એસીબી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જાણીએ સમગ્ર અહેવાલ.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના છત્રાલા ગામનાં સરપંચના ઘરમાં જ એસીબીએ ત્રાટકીને જે કાર્યવાહી કરી અને પછી જે જાહેર થયું તેનાથી સરપંચ આલમમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની વિગતો જોઈએ તો, છત્રાલા ગ્રામ પંચાયત હદમાં સી.સી.રોડનું રૂ.૫,૦૦,૦૦૦/- નું કામ ઠેકેદારે પુરૂ કર્યુ હતુ. આ પછી કામનાં બિલના નાણાંનો ચેક કામ સંબંધિત વ્યક્તિ લેવા જતાં છત્રાલા ગામનાં મહિલા સરપંચ ગીતાબેન દેહળાજી સોલંકી, તેમનાં પતિ દેહળાજી મોબતાજી સોલંકી અને તેમનાં પુત્ર વિક્રમસિંહ દેહળાજી સોલંકી સહિતનાએ ભેગાં મળીને ટકાવારીના બાકી પેટે લાંચના રૂ.૪૦,૦૦૦/- માંગ્યા હતા. આ લાંચના નાણાં આપે તો જ ચેક આપવાનું જણાવ્યું હતુ. જોકે લાંચના નાણાં રોડ કામનાં સંબંધિત વ્યક્તિ આપવા ઈચ્છતા ના હોય એ.સી.બી.નો ટોલ ફ્રી ઉપર સંપર્ક કરી ફરીયાદ આપી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા એસીબી પોલીસે ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરી છત્રાલા ગામમાં ટ્રેપનુ આયોજન કર્યું હતુ. આ દરમ્યાન ફરિયાદી પાસેથી મહિલા સરપંચ ગીતાબેન દેહળાજી સોલંકીની હાજરીમાં તેમના વતી તેમનાં પતિ દેહળાજી સોલંકીએ લાંચના નાણાં રૂ.40,000 સ્વીકારી આરોપી તેમનાં પુત્ર વિક્રમસિંહ દેહળાજી સોલંકીને આપ્યા ત્યારે વિક્રમસિંહે તુરંત જયપાલસિંહ શાંતિજી સોલંકીને આપતાં જયપાલસિંહે રૂ.૪૦,૦૦૦/- પેન્ટમાં કમ્મરના ભાગે સંતાડી દીધા હતા. બરાબર આ સમયે બનાસકાંઠા જિલ્લા એસીબી ટીમે ચારેય આરોપીઓને પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. લાંચની આ ઘટનામાં મહિલા સરપંચનો પરિવાર સહિત ભત્રીજો પણ આરોપી બનતાં છત્રાલા ગામ સહિત સમગ્ર ડીસા તાલુકા અને બનાસકાંઠા જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.