શંકાસ્પદ@સંતરામપુર: ચોક્કસ ગામમાં માત્ર ચેકડેમોની મંજૂરી પાછળની હકીકત, અમુક ગામોને સાઇડ કરવાનો રિપોર્ટ

 
Santrampur

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સંતરામપુર તાલુકામાં મનરેગા યોજનાની અમલવારીમાં ભ્રષ્ટાચાર શોધવાને બદલે પારદર્શકતા શોધવી પડે તેવી નોબત છે. લાખોનાં કામોમાં લેબર ઝીરોની તપાસ હજુ કાચબા ગતિએ છે ત્યારે વધુ એક શંકાસ્પદ વહીવટ સામે આવ્યો છે. છેલ્લા ત્રણ વર્ષથી ચોક્કસ ગામમાં એકમાત્ર ચેકડેમોની વહીવટી મંજૂરી આપવા પાછળ કોની ભૂમિકા કેવી છે તે સમજવું ખૂબ જરૂરી છે. આ સાથે અનેક ગામોને મોટી રકમનાં કામમાંથી સાઈડ કરવાનો ઈશારો કોનો છે એ પણ સમજવું અત્યંત જરૂરી છે. એપીઓ અજય પટેલની વહીવટી કામગીરી પારદર્શક છે કે કેમ તે મુદ્દે સત્તાધીન પદાધિકારીઓ પણ સ્પષ્ટ નથી. આવો જાણીએ સ્પેશિયલ રિપોર્ટમાં....

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટાચાર શોધવા તંત્ર મહેનત કરે છે ? આ સવાલ સમજવા પદાધિકારીઓને સાંભળવા ખૂબ જરૂરી છે. રાતોરાત સ્પેશિયલ ગામમાં ઈરાદાપૂર્વકની વહીવટી મંજૂરી આપવા મામલે હવે રાજકીય રંગ મજબૂત બનતો જાય છે. જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના સૂત્રોએ જણાવ્યું હતુ કે, પ્રભારી મંત્રીને મૌખિક ધ્યાને મૂક્યું હોઈ પાર્ટીની મર્યાદા મુજબ સારું થશે તેવી અપેક્ષા છે. આ તરફ વહીવટી મંજૂરીના કામો, રકમ અને કામની કેટેગરી વિશે પૂછતાં સંતરામપુર તાલુકાના સત્તાધીશો બધુ બરાબર હોવાની માળા જપી રહ્યા છે. જોકે એક વાત સામે આવી કે, સંતરામપુર તાલુકામાં વર્ષ 2020-21, 2021-22, 2023-23 દરમ્યાન અપાયેલી વહીવટી મંજૂરીઓ અનેક ગંભીર સવાલો ઉભા કરે છે. આંગળીના વેઢે ગણી શકાય તેટલા ગામોમાં લાખો કરોડોના કામો કરવામાં આવી રહ્યા છે, આ કામો એવા છે કે, જેમાં બાંધકામ મોટાપ્રમાણમાં હોય અને મટીરીયલ પાછળ મોટી રકમ ખર્ચ થાય. 

સંતરામપુર તાલુકામાં મનરેગા હેઠળના કામોની ગુણવત્તા તપાસ, લેબરોની ખરાઇ અને મટીરીયલ ખરીદી બાબતની તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો મળી આવે તેમ છે. સંતરામપુર તાલુકા પંચાયતના પદાધિકારીના સૂત્રો જણાવે છે કે, મનરેગામાં ભ્રષ્ટાચારે માઝા મૂકી અને ઈરાદાપૂર્વક ચોક્કસ કામો જ કરવામાં આવે છે. જો તાત્કાલિક અસરથી મહીસાગર જિલ્લામાં લોકપાલની નિયુક્તિ થાય તો અનેક અરજદારો ફરીયાદની તૈયારી કરી બેઠા છે. જોકે નવનિયુક્ત ડીડીઓ આશાસ્પદ હોઇ 22 લાખના મટીરીયલ ખર્ચમાં ઝીરો લેબરની તપાસમાં જો કસૂરવારો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ તો દાખલો બેસે તેમ પદાધિકારીઓ માની રહ્યા છે.