હવામાન@ગુજરાત: પશ્ચિમી વિક્ષોભનાં કારણે માવઠા પડ્યા પણ હવે.... આ તારીખથી કમોસમી વરસાદનું જોર ઘટશે

 
Monsoon

અટલ સમાચાર, ડેસ્ક

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે પશ્ચિમી વિક્ષોભના કારણે ચાલુ વર્ષ દરમિયાન હવામાનમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પરથી દૂર થઈ રહી છે માટે કમોસમી વરસાદનું જોર ઘટી જશે. 24 કલાક બાદ રાજ્યમાંથી વાદળછાયું વાતાવરણ પણ દૂર થઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગે વરસાદથી મુક્તિ મળવાની સાથે તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

ગુજરાત પરથી ખતરો ટળી રહ્યો છે પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ટૂંકા ગાળામાં વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તે ટ્રેક કરી શકાશે. આ વાવાઝોડાની અસર ક્યાં થશે તે અંગેની હજુ સંભાવનાઓ વ્યક્ત કરાઈ નથી, કારણ કે ડિપ્રેશન કે લો-પ્રેશર ક્રિએટ થયા પછી જ તેની ગતિ સહિતની સચોટ માહિતી મેળવી શકાય છે.

અમદાવાદના હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીનલાલે રાજ્યની પાંચ દિવસની આગાહી કરી હતી જેમાં પાછળના ત્રણ દિવસનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી. એટલે કે આજે રાજ્યના 4-5 જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ છે તે પછી ગરમીનું જોર વધવાનું શરુ થશે.