ચેતજો@ગુજરાત: લગ્ન માટે છોકરા શોધતી યુવતીઓને આ ભેજાબાજે આવી રીતે ફસાવી, જાણો અહીં

 
Vadodara City Police

અટલ સમાચાર, ડેસ્ક

વડોદરામાં 33 વર્ષનો રાકેશ સિંઘ નામનો ભેજાબાજ ગજબની ગેમ કરીને યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો. 100 જેટલી યુવતીઓને તેણે લાલચ આપીને ફસાવી અને પછી બ્લેકમેઈલ કરતો હતો. મેટ્રીમોનિયલ સાઈટની મદદથી આરોપી યુવતીઓને ટોપી પહેરાવતો હતો. આરોપી રાકેશે વધુ કેવા કારસ્તાન કર્યા છે તે પોલીસ તપાસ દરમિયાન ખુલી શકે છે. મૂળ ભોપાલના રાકેશ સિંઘ પોતે ધૂરંધર હોવાની વાત કરીને યુવતીઓને ફસાવતો હતો અને તેમની સાથે લગ્ન કરવાનું કહેતો હતો. TOIના રિપોર્ટ્સ મુજબ ખાનગી ટેલિકોમ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતો રાકેશ સારું કમાતો હોવા છતાં તેણે યુવતીઓને ફસાવીને તેમને બ્લેકમેઈલ કરી છે. આરોપી વોટ્સએપ સહિત ટિન્ડર અને મેટ્રીમોનિયલ સાઈટ્સનો પણ ઉપયોગ યુવતીઓને ફસાવવા માટે કર્યો છે.

આરોપી રાકેશ સામેનું લાંબુ લિસ્ટ સામે આવ્યા બાદ સાઈબર ક્રાઈમ પોલીસે ગુરુવારે તેની ધરપકડ કરી લીધી છે, આરોપી યુવતીઓને છેતરીને તેમને બ્લેકમેઈલ કરતો હતો અને રૂપિયા પડાવતો હતો. આ મામલે સાઈબર ક્રાઈમના ACP હાર્દિક મકાડિયાએ TOI સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું કે, 33 વર્ષના રાકેશ સાઈબર ફ્રોડ કરનારો છે, આરોપી પોતાને ધનાઢ્ય બતાવીને પત્નીની શોધ કરીને, ક્યારેક મેનેજર હોવાનું બતાવીને આસિસ્ટન્ટ શોધવાનો ખેલ કરીને છેતરપિંડી કરતો હતો. આ સિવાય તે પોતાને ગરીબ બતાવીને આર્થિક મદદની વાત રજૂ કરતો હતો.

વૈભવી કાર સાથેની તસવીર હોય તેવી તસવીરો ઉઠાવીને તે લક્ઝુરિયસ લાઈફ જીવતો હોવાનો ડોળ કરીને પણ છેતરપિંડી કરતો હતો. પોતે સોશિયલ મીડિયા પર 1 કરોડ રૂપિયા કમાતો હોવાની પણ વાત કરતો હતો. આરોપી અંગે માહિતી આપતા પોલીસે એ પણ જણાવ્યું કે રાકેશે આ પ્રકારની એક્ટિવિટી માટે અલગ-અલગ 10 ઈમેલ આઈડી બનાવ્યા હતા. આ આખો કેસ ત્યારે સામે આવ્યો જ્યારે વડોદરાની મહિલાએ ફરિયાદ નોંધાવી અને તેમાં યુવક બ્લેકમેઈલ કરીને રૂપિયા પડાવવાની બાબત જણાવી. તપાસમાં સામે આવ્યું કે બિઝનેસમેન અને સિનિયર મેનેજર હોવાની વાત કરીને ઘણી યુવતીઓને આ રીતે છેતરી છે. વડોદરામાં નોંધાયેલી ફરિયાદના આધારે હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

અનુરાગ શર્માના નામે આરોપી રાકેશે વડોદરાની મહિલા સાથે છેતરપિંડી કરી હતી, તેણે યુવતી સાથે મેટ્રીમોનિયલ સાઈટ પરથી સંપર્ક કરીને છેતરપિંડી કરી હતી. આ પછી તેણે યુવતી પાસે નગ્ન ફોટો મગાવ્યા હતા અને તેના આધારે તેને ડરાવવાનું તથા બ્લેકમેઈલ કરવાનું શરુ કર્યું હતું. પોલીસે જણાવ્યું કે મહિલા એટલી ડરી ગઈ હતી કે તેણે આરોપીને 12.67 લાખ રૂપિયા ચુકવ્યા હતા. આરોપી રાકેશ મહિલા બનીને પણ અન્ય મહિલાની સાથે ઓનલાઈન છેતરપિંડી કરીને શિકાર બનાવતો હતો, આ માટે તે એવી યુવતીઓ કે મહિલાઓને પસંદ કરતો હતો કે જે તેને અંગત રીતે ઓળખતી ન હોય. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હવે આ તપાસ દરમિયાન આરોપીના અન્ય કારનામાનો પણ ખુલાસો થઈ શકે છે.