રિપોર્ટ@દેશ: બિલકિસ બાનો કેસમાં મોટી અપડેટ, ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી પુનર્વિચાર અરજી
અટલ સમાચાર, ડેસ્ક
બિલકિસ બાનો કેસના દોષિતોને પરત જેલ મોકલવા મામલે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ગુજરાત સરકારે બિલકિસ બાનો કેસના દોષિતોને આજીવન કેદની સજા પૂર્ણ થયા પહેલા મુક્ત કરવાના નિર્ણય પર પુનર્વિચાર અરજી દાખલ કરી છે. સરકારે કોર્ટને પોતાના ચુકાદામાં ગુજરાત સરકાર વિરૂદ્ધ કડક ટિપ્પણી હટાવવાની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ બિલકિસ બાનોની અરજી પર હત્યા અને રેપ મામલે આજીવન કેદની સજા કાપતા 11 દોષિતોને મુક્ત કર્યાના 17 મહિના બાદ પરત જેલમાં મોકલવાનો ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદમાં ગુજરાત સરકારના સમય પહેલા દોષિતોને મુક્ત કરવાના આદેશને રદ કરી નાખ્યો હતો. સાથે જ સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ગુજરાત સરકાર વિરૂદ્ધ કડક ટિપ્પણી પણ કરી હતી. રાજ્ય સરકારે તેમણે હટાવવાનો આગ્રહ કરતા પુનર્વિચાર અરજી દાખલ કરી છે જેમાં કહેવામાં આવ્યું કે કોર્ટ પોતાના ચુકાદાથી ‘બિલકિસ બાનો કેસમાં રાજ્યએ દોષિતો સાથે મળીને કામ કર્યું’, જેવી સરકાર વિરોધી ટિપ્પણીને હટાવી દે.
ગુજરાત સરકારે પોતાની અરજીમાં કહ્યું કે આવી ટિપ્પણીથી પૂર્વાગ્રહ ઉભો થાય છે. ગુજરાત સરકારે કહ્યું કે તેમણે સુપ્રીમ કોર્ટના 2022ના આદેશ અનુસાર જ કામ કર્યું છે. સરકારની નિર્ણય શક્તિનો દૂરઉપયોગ નહતો. મહત્ત્વપૂર્ણ છે કે સુપ્રીમ કોર્ટે 8 જાન્યુઆરીએ હાઇ પ્રોફાઇલ કેસમાં 11 દોષિતોને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટને રદ કરી નાખી હતી જ્યારે રાજ્યને એક આરોપી સાથે મિલીભગત હોવા અને પોતાના વિવેકનો દૂરઉપયોગ કરવા માટે ફટકાર લગાવી હતી. કોર્ટે 2022માં સ્વતંત્રતા દિવસ પર સમય પહેલા મુક્ત કરવામાં આવેલા દોષિતોને બે અઠવાડિયાની અંદર જેલમાં પરત ફરવાનો આદેશ કર્યો હતો.