ગુજરાતઃ ઉત્તરાયણની ઉજવણી માટે સરકારે 11 થી 17 જાન્યુઆરી સુધી આ ગાઇડલાઇન્સ જાહેર કરી

માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહી . ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક

રાજયમાં હાલમાં પ્રવર્તમાન COVID-19 ની પરિસ્થિતિ ધ્યાને લેતાં 11 જાન્યુઆરી 2022થી 17 જાન્યુઆરી 2022 સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલીક સૂચનાઓ અમલમાં મુકવામાં આવી છે.

 1. કોઇપણ જાહેર સ્થળો / ખુલ્લા મેદાનો / રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહી.

2. પ્રવર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યુ છે.

3. માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહી . ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.


4. મકાન / ફલેટના ધાબા / અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી . ફ્લેટ / રહેણાંક સોસાયટી સંબંધિત કોઇ પણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી / ફ્લેટના સેક્રેટરી / અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુદ્ધ નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

5. મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે.


6. મકાન / ફલેટના ધાબા / અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઈ પણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિન્ટન્સિંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.

7. 65 વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ / અન્ય રોગોથી પીડિત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ઘરે રહે તે સલાહભર્યુ છે.

8. કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઇ પણ પ્રકારના લખાણો / સ્લોગન / ચિત્રો પતંગ પર લખી શકાશે નહી.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

9. સુપ્રીમ કોર્ટ / હાઇકોર્ટ તથા NGT ની સૂચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન , ચાઇનીઝ તુક્કલ , સ્કાય લેન્ટર્ન , સિન્થેટીક / કાંચ પાયેલા માંઝા , પ્લાસ્ટીક દોરી વગેરે પ્રતિબંધિત રહેશે.

10. જે વ્યક્તિઓ રાજયમાં જુદા - જુદા શહેરોએ આવેલ પતંગ બજાર જેવા કે અમદાવાદ શહેરમાં આવેલ રાયપુર , ટંકશાળ , નરોડાની મુલાકાત લે ત્યારે COVID.19 સંબંધી દિશા નિર્દેશોનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે અને વ્યક્તિઓની સંખ્યા મર્યાદિત રહે તે માટે પોલીસ કર્મચારીઓને સહકાર આપવાનો રહેશે.

11. COVID - 19 સંદર્ભે રાજય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામા / માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે.

12. રાજયના અમદાવાદ , વડોદરા , રાજકોટ , સુરત , જામનગર , ભાવનગર , જૂનાગઢ , ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તાર તેમજ આણંદ તથા નડીયાદ શહેરમાં લાગુ કરવામાં આવેલ રાત્રી કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.


13. ઉપરોકત તમામ સૂચનાઓના અસરકારક અમલીકરણ માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત તેમજ પેટ્રોલિંગ રાખવાનું રહેશે તથા જરૂરીયાત અનુસાર ડ્રોન તેમજ સી.સી.ટી.વી. મારફતે પણ Surveillance રાખવાનું રહેશે.

ઉપરોકત સૂચનાઓનું ઉલ્લંધન કરનાર વ્યકિત The Disaster Management Act , 2005 તેમજ The Indian Penal Code,1860 ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.