નિર્ણય@ગુજરાત: પેપર લીકની ઘટનાઓને રોકવા સરકાર મક્કમ, જાણો આરોપીઓ માટે કઈ સજાની જોગવાઈ ?

 
Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટવાની ઘટના છાશવારે બનતી હોવાથી વિદ્યાર્થીઓ ભારે આક્રોશ છે. આવામાં સરકારે હવે ગેરરીતિ આચરનારાઓ સામે કડક પગલા ભરવા માટે વિધેયક બનાવવાનો નિર્ણય કર્યો છે. ભવિષ્યમાં કોઈ આ પ્રકારનો પેપર ફોડવા જેવી ઘટના અંગે વિચાર ના કરે અને આવી ઘટનાઓને અટકાવી શકાય તેવી જોગવાઈઓ સાથે વિધેયક તૈયાર કરવામાં આવશે.

આ વિધેયકમાં સરકારી પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે દોષિત પરીક્ષાર્થીને 2 વર્ષ પરીક્ષાથી દૂર રાખવામાં આવશે. ગેરરીતિ આચરનાર પરીક્ષાર્થીને 3 વર્ષની કેદની સજા કરવામાં આવશે. આ સાથે એક લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે. વ્યવસ્થાપક મંડળ કે સંસ્થા દ્વારા કરવામાં આવનારા ગુના સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, જાહેર પરીક્ષામાં કાવતરુ કરનારી વ્યક્તિ સામે કડક પગલા ભરવામાં આવશે. જે વ્યક્તિની પેપર લીક કરવાની ઘટનામાં સંડોવણી હશે તેને 5-10 વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવશે. આ પ્રકારના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓને કડકમાં કડક સજા થાય અને તેઓ કાયદાનો દુરોપયોગ ના કરી શકે તે માટે બિનજામીનપાત્ર સજા થાય તેવી જોગવાઈઓ આ નવા વિધેયકમાં કરવામાં આવશે.