દુર્ઘટના@હિંમતનગર: ટ્રકની અડફેટે મહિલાનું કમકમાટીભર્યું મોત, નેશનલ હાઇવેના અધૂરા કાર્યને લઈ હાલાકી

 
Accident

અટલ સમાચાર, ડેસ્ક

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર શહેરની એન્ટ્રીમાં જ ઓવરબ્રિજનું કામ છેલ્લા ત્રણ ચાર વર્ષથી લટકી રહ્યુ છે. જેને લઈ આ વિસ્તારમાં ટ્રાફિક જામ સહિત જોખમી વાહન વ્યવહાર ધરાવતી સ્થિતિ બની છે. જેને લઈ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. આ વિસ્તારમાં એક મહિલાએ અકસ્માતમાં જીવ ગુમાવતા લોકોનો રોષ વ્યાપ્યો છે.

 

હિંમતનગર શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવેના અધૂરા કાર્યને લઈ સ્થાનિકો અને વાહન ચાલકો પરેશાન થઇ ચૂક્યા છે. વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ પણ જેને લઈ વધ્યુ છે. આવી જ રીતે મોતીપુરા વિસ્તારમાં એક ટ્રકની નિચે કચડાઇ જતા મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.

બાઇકને અડફેટે લેતા બાઇક પર સવાર મહિલા અને ત્રણ વર્ષનો માસૂમ પુત્ર નિચે પડ્યા હતા. જેમાં બાઇક સવાર મહિલા ચંપાબેન રાઠોડ પર ટ્રકનું ટાયર ફરી વળવાને લઈ ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે માસુમ બાળકને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને ટ્રકનો ચાલક ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. અકસ્માતના પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો.