મર્ડર@ગુજરાત: પતિએ જ પત્નીની કરી ગોળી મારીને હત્યા, જાણો શું હતો સમગ્ર મામલો ?

 
Exam

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં મહિલાની જાહેરમાં ઘાતકી ક્રૃર હત્યા કરાતાં સનસનાટી મચી ગઈ છે. આ મહિલાના પરિવારજનો ભારે આક્રંદમા જોવા મળ્યા છે. પતિ-પત્નીની તકરારનો મામલાએ પત્નીના મોતનું કારણ બન્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા નવરંગ ટાઉનશીપમાં રહેતા 47 વર્ષિય નીમીષાબેન રસીકભાઇ પરમારને અને તેમના પતિ કે જેઓ વસો ખાતે રહે છે. આ નીમીષાબેન અને રસિક પરમાર (રહે.વસો અને નડિયાદ) પતિ-પત્નીને થોડા વર્ષોથી મનભેદ સર્જાતા પોલીસ અને કોર્ટ કેસ ચાલી રહ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આ વ્યક્તિ એક્ટિવા લઈને બુધવારે 12:00થી 1 સમયગાળા દરમિયાન અહીંયા નવરંગ ટાઉનશિપમાં આવ્યો હતો. તેણે હેલ્મેટ પહેર્યુ હતું. જોકે એકાએક ફટાકડા ફુટવા જેવો અવાજ સંભળાતા સ્થાનિકો દોડી આવ્યા હતા. મહિલાના ઘરથી લગભગ 25 ફુટ દૂર જ પતિએ હથિયાર વડે ફાયરિંગ કરી ફરાર થયો હતો. તેવામાં હેલમેટ પડી જતાં આરોપીને સ્થાનિકોએ ઓળખી લીધો હોવાનું પ્રત્યદર્ક્ષીએ જણાવ્યું હતુ.

વિગતો મુજબ નડિયાદ કોર્ટમાં બુધવારે કેસની મુદત હતી. આરોપી પતિ એક્ટીવામાં ગેરકાયદેસર લાવેલ રિવોલ્વર સંતાડી આવ્યો હતો. મુદત પતાવી ગુરુવાર બપોરે ઘેર પરત જતી પત્નીને એકટિવા પર આવેલા પતિએ મિશન રોડ પર જાહેરમાં ગોળી મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન પત્નીના હત્યારા પતિને પોલીસે સરદાર ભવનના પાર્કિગમાંથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. નડીયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મિશન રોડ પર આવેલી નવરંગ ટાઉનશીપમાં રહેતા 47 વર્ષના નીમીષાબેન પરમાર પ્રથમ પતિ સાથે એક દીકરીના જન્મ પછી છૂટાછેડા લીધા હતા.

ત્યાર પછી તેણીએ થોડા સમય પૂર્વે વસો ખાતે રહેતા નિવૃત વન કર્મચારી રસિક પરમાર સાથે બીજા લગ્ન કર્યા હતા. નિવૃત્ત વન કર્મચારીના પણ આ બીજા લગ્ન હતા બંનેનું લગ્ન જીવન સુખમય રીતે પસાર થતું હતું. આ દરમિયાન નિમિષાબેને પ્રથમ પતિથી જન્મેલ દીકરીને અભ્યાસ તેમજ કામ ધંધા અર્થે લંડન મોકલી હતી. જે હાલ પણ લંડનમાં વસવાટ કરે છે. નિમિષાબેન અને પતિ રસિક પરમાર વચ્ચે થોડા સમય પૂર્વે કોઈ બાબતને લઇ મતભેદ સર્જાયા હતા. જેના પગલે પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસ શરૂ થયા હતા.

જેથી કંટાળેલા નિમિષાબેન વર્ષોથી રસિક પરમારનું ઘર ત્યજી નડિયાદ મિશન રોડ પર આવેલ નવરંગ ટાઉનશીપમાં રહેતી માતા સાથે રહેવા આવી ગયા હતા. નિમિષાબેને પતિ વિરુદ્ધ દહેજ પ્રતિબંધક ધારા અંતર્ગત પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સાથે નિમિષાબેને નડિયાદ કોર્ટમાં પતિ રસિક પરમાર સામે ભરણપોષણનો કેસ કર્યો હતો. દરમિયાન પતિ રસિક પરમાર મોટી રકમનું પેન્શન મેળવતો હોવા છતાં પત્નીને છૂટાછેડા માટે રૂપિયા આપ્યા ન હતા. જેથી નિમિષાબેન પણ જીદ પર ઉતર્યા હતા.

આ દરમિયાન નડિયાદ કોર્ટમાં ભરણપોષણના કેસની મુદત હતી ત્યારે જ કાવતરું કરવાના ઇરાદે પતિ ગેરકાયદેસર મેળવેલી દેશી રિવોલ્વોર સંતાડીને નડિયાદ કોર્ટમાં આવ્યો હતો. મુદત પૂર્ણ થયા પછી કોર્ટ પરિસરમાં પતિએ પત્ની શાંતિથી છૂટાછેડા આપી દેવાનું કહેતા ત્યારે પણ માથાકૂટ સર્જાઇ હતી. જેથી નિમિષાબેન કોર્ટમાંથી ઘેર જઇ રહ્યા હતા અને પાછળ પતિ રસિક પરમાર ગયો હતો. આ દરમિયાન તેણે ટુ વ્હિલરમાં છુપાવેલી ગેરકાયદેસર મેળવલી રિવોલ્વર કાઢી અને કોઇ ઓળખી ન જાય તે માટે માથા પર હેલ્મેટ પહેરી દીધી હતી. આ દરમિયાન ઘર તરફ ચાલી રહ્યા હતા. ત્યારે રિવોલ્વર કાઢી પત્નીને નજીક જઈ છાતીના ભાગે રિવોલ્વોરની ગોળી મારી દીધી હતી. જે બાદ નિમીષાબેન લોહી લુહાણ હાલતમાં રોડ પર ફસડાઈ પડયા હતા અને પતિ ફરાર થઇ ગયો હતો.