રિપોર્ટ@પાટણ: અનેક ગામોમાં નાણાંપંચનો હિસાબ જોઇ તપાસ અધિકારી ચોંક્યા, થશે મોટી કાર્યવાહી

 
Patan Jilla Panchayat

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાટણ જિલ્લાની અનેક ગ્રામ પંચાયતોમાં 14 માં નાણાંપંચના હિસાબો મેળ નહિ થતાં ઉંડાણપૂર્વકની તપાસ થઇ છે. તપાસ હુકમની વારંવારની સૂચના બાદ ટીડીઓ પાસેથી આવેલા રિપોર્ટ જોઇ અધિકારી ચોંકી ગયા છે. અનેક ગ્રામ પંચાયતોમાં કામો થયા નથી અને નાણાંપંચની રકમો ગાયબ છે. ડેપ્યુટી ડીડીઓ સંગીતાબેને જણાવ્યું કે, શરૂઆતમાં વધારે ગામો હતા પરંતુ હિસાબોની પુર્તતા બાદ સરેરાશ 15થી વધુ ગામોમાં અંદાજીત 20 લાખની રકમ મળતી નથી. આથી તપાસ રિપોર્ટ આધારે ડીડીઓની સુચના બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેવી રીતે અને કોણે કરી નાણાંપંચની ઉચાપત કે ગોટાળો તે સમજીએ...

પાટણ જિલ્લાની કેટલીક ગ્રામ પંચાયતોમાં નાણાંપંચની ઉચાપત થયાની અરજી થઈ હતી. આથી વિકાસ કમિશ્નરની સુચના આધારે પાટણ જિલ્લા પંચાયતે તમામ તાલુકાઓની તમામ ગ્રામ પંચાયતોમાં નાણાંપંચના હિસાબો ચેક કર્યા હતા. જેમાં શરૂઆતમાં ચાણસ્મા, શંખેશ્વર અને સાંતલપુર તાલુકાની સરેરાશ 39 ગ્રામ પંચાયતોમાં શંકા જણાતી હતી. જોકે હિસાબો, કાગળોની પુર્તતા કરતાં આખરે 15થી 17 ગ્રામ પંચાયતોમાં 14 માં નાણાંપંચના હિસાબો ચોંકાવનારા હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તપાસ અધિકારી કમ ડેપ્યુટી ડીડીઓ સંગીતાબેને જણાવ્યું હતુ કે, સરેરાશ 15થી 20 લાખનો હિસાબ મળતો નથી, તો શું ઉચાપત હશે તેવા સવાલ સામે કહ્યું કે, હા હાલ તો એવું જણાય પરંતુ તપાસ રિપોર્ટ આધારે વિગતો તૈયાર કરી ડીડીઓ સમક્ષ રજૂ કરવું પડે. જોકે સમગ્ર ઘટનાક્રમમાં એક વાત સ્પષ્ટ જણાય છે કે, ત્રણેય તાલુકાના 15થી 17 ગામોમાં કામો કર્યા વિના નાણાંપંચની રકમ ઉપાડી લેવામાં આવી છે. આ નાણાં સરપંચ, તલાટી અથવા બંનેની ભૂમિકા વગર ઉપડી શકે નહિ. આવી સ્થિતિમાં પાટણ જિલ્લા પંચાયત આગામી ટૂંક સમયમાં નાણાંપંચની ગ્રાન્ટ મામલે મોટી કાર્યવાહી કરે તેવી પ્રબળ શક્યતા છે.