રાજનીતિ@ગુજરાત: મનીષ સિસોદીયાનો મુદ્દે MLA ચૈતર વસાવા લાલઘૂમ, સરકારનું મોટું ષડયંત્ર

 
Chaitar Vaasava

અટલ સમાચાર, ડેસ્ક 

દિલ્હીમાં કથિત દારૂની આબકારી નીતિ કેસમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે રવિવારે CBIએ દારૂ કૌભાંડ કેસમાં લાંબી પૂછપરછ બાદ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી અને CBI આજે બપોરે 2 વાગ્યે સિસોદિયાને કોર્ટમાં રજૂ કરશે. મનીષ સિસોદિયાની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે સોમવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં પણ મનીષ સિસોદિયાની ધરપકડનો વિરોધ થઇ રહ્યો છે.

ગાંધીનગર વિધાનસભામાં ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ અંગે વિરોધ કરતા પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, મનીષ સિસોદીયાએ છેલ્લા 8 વર્ષમાં દિલ્હીની શાળાઓની કાયા પલટ કરી દીધી છે. તેઓ એ વ્યક્તિ છે જેમણે 20 લાખથી પણ વધારે ગરીબ બાળકોને તેમના ભાવિના ઘડતણ માટે મફત શિક્ષણ પૂરું પાડ્યું છે. દિલ્હીનું મોડલ એ માત્ર દિલ્હી પુરતુ નથી તે સમગ્ર દેશ અને દુનિયામાં વખણાયું છે. દેશમાં વધતી જતી આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લોકપ્રિયતા જેને ભાજપ સરકાર પચાવી શકતી નથી, એટલે જ તપાસ એજન્સીઓનો દૂરોપયોગ કરીને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની ધરપકડ કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં કહ્યું કે, મનીષ સિસોદીયાની ધરપકડ 10 હજાર કરોડના દારૂ ઘોટાળામાં કરવામાં આવી છે. જેને લઇને અમે પુછવા માંગીએ છીએ કે તમારા સર્ચ ઓપરેશનમાં મનીષ સિસોદીયાના બેન્ક એકાઉન્ટમાં, તેમના ઘરે કે તેમના પિતૃક નિવાસે કે તમના સગાસંબંધીઓ પાસેથી તમને કેટલા રૂપિયા રિકવર થયા? લોકશાહીમાં આમ આદમી પાર્ટીના નેતાના નેતાઓ અને કાર્યકર્તાઓને દબાવવાની આ સરકારનું બહું જ મોટું ષડયંત્ર છે. આવનારા સમયમાં આમ આદમી પાર્ટી સમગ્ર દેશમાં લોકશાહીને બચાવવા માટે સંસદથી લઇને વિધાનસભાથી લઇને રોડ પર પણ ઉતરવાની છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીને ન્યાય મળે તે માટે આ મુદ્દો અમે વિધાનસભામાં પણ ઉઠાવવના છીએ. અમે ભાજપની આ નીતિઓથી ડરવાના નથી. ભવિષ્યમાં પણ પૂરી તાકત સાથે અમે આ નીતિઓ સામે લડવાના છીએ.

જાણો શું છે સમગ્ર મામલો ? 

દિલ્હી લિકર પોલિસી કૌભાંડનો આ આખો મામલો દિલ્હી સરકારની નવી લિકર પોલિસી 2021-22 સાથે સંબંધિત છે. દિલ્હી સરકારે 17 નવેમ્બર 2021થી દિલ્હીમાં નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ નવી દારૂની નીતિ હેઠળ, દારૂનો વ્યવસાય સંપૂર્ણપણે ખાનગી હાથમાં સોંપવામાં આવ્યો હતો અને દિલ્હી સરકાર તેમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગઈ હતી. જણાવી દઇએ કે, દિલ્હીમાં કુલ 32 ઝોન છે, એક ઝોનમાં વધુમાં વધુ 27 દુકાનો ખોલી શકાય છે. દિલ્હીમાં કુલ 849 દારૂની દુકાનો ખોલવામાં આવી હતી.