કાર્યવાહી@બેચરાજી: મોંઘીદાટ કારમાં દારૂ ભરીને જતાં હતાં, બાતમી મળતાં રસ્તામાં ત્રાટકી પોલીસ, 3 ઈસમ ઝબ્બે

 
Bechraji Police

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા પોલીસે ફરી એકવાર દારૂની હેરાફેરી અટકાવી છે. વિગતો મુજબ બેચરાજી તાલુકા પોલીસે બાતમી આધારે વિદેશી દારૂ ભરેલ ગાડી ઝડપી પાડી છે. પ્રાથમિક વિગતો મુજબ દારૂ ભરેલ કાર અમદાવાદ પહોંચે તે પહેલા જ ત્રણ ઇસમોને દારૂના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. આ સાથે દારૂ ભરેલ કારની આગળ પાયલોટીંગ કરતાં બાઇક ચાલકને પણ પોલીસે દબોચી લીધો છે. આ સાથે આ કાર્યવાહી દરમ્યાન પોલીસે કુલ 9.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

મહેસાણા SP અચલ ત્યાગીએ જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારી અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપેલ છે. જે અનુસંધાને બેચરાજી તાલુકા પોલીસની ટીમ એક બાતમી મળી હતી. જેને લઈ બેચરાજી પોલીસે ડેડાણા રોડ પર આવેલ ગરનાળા નજીક ખાનગી વાહનો સાથે પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન ફોર્ચ્યુનર ગાડીનું દેકાવાડાનો સોલંકી ચેતનસિંહ બાઈક વડે પાયલોટીંગ કરતો હોવાનું સામે આવતા તેને ઝડપી પાડ્યો હતો. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, કાર્યવાહી દરમિયાન બાઈકચાલકને પકડી લીધા બાદ પોલીસે ફોર્ચ્યુનર ગાડીને રોકાવી તપાસ કરી હતી. વિગતો મુજબ કારની તપાસ કરતાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ તરફ પોલીસે ગાડી ચાલક અશ્વિન સિંહ ઉર્ફ કાળુભા સોલંકી, નંદુભા ઇન્દ્રભા ઝાલાને ઝડપી લીધા હતા. આ તરફ ગાડીમાંથી 2,89,740 નો વિદેશી દારૂ અને ગાડી કિંમત 6,00,000ની સાથે રોકડ રકમ 1,200, મોટર સાયકલ કિંમત 20,000,મોબાઈલ 3 કિંમત 20,000 મળી કુલ 9,30,940નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે મનુભા અગરસંગ વાઘેલા, ઝાલા સુનિલ સિંહને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાર્યદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.