ઘટના@બનાસકાંઠા: લ્યો બોલો....પરિણીત પ્રેમિકાને પામવા પ્રેમી હાઈકોર્ટમાં ગયો અને પછી....

 
High Court

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદમાં બનેલી એક ઘટનાએ તો ખરેખર 'પ્રેમમાં બધું વાજબી હોય છે' તેવું કહેનારે સાચું જ કહ્યું હોય તેવી ઘટના બની છે. એક પરણિત મહિલાના પ્રેમમાં પડેલા અને તેને તેના પતિ પાસેથી મુક્ત કરાવીને પામવાની જીદે ચઢેલા વ્યક્તિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જોકે, આ પછી હાઈકોર્ટે જે પગલું ભર્યું તે રસપ્રદ છે. લિવ-ઈન રિલેશનશિપના કરારના આધારે પ્રેમિકાને પામવા માટે પહોંચેલા વ્યક્તિને 5000 રૂપિયાનો હાઈકોર્ટે દંડ ફટકાર્યો છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ કેસ બનાસકાંઠા જિલ્લાનો છે. જેમાં એક વ્યક્તિ હાઈકોર્ટ પહોંચી અને પોતાની સાથે રિલેશનશિપમાં રહેલી પરણેલી મહિલાને પામવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે પરણિતાના પ્રેમમાં વ્યક્તિ પડ્યો અને કોર્ટમાં પહોંચ્યો તે મહિલાએ પોતાની મરજી વિરુદ્ધમાં અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા અને તેમના દાંપત્ય જીવનમાં ડખા પડતા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લગ્ન જીવનમાં પડતા ડખાથી કંટાળીને મહિલા પોતાના પતિને છોડીને પિયર આવી ગઈ હતી અને અન્ય પુરુષ કે જેને તે પ્રેમ કરતી હતી તેની સાથે રહેવા લાગી હતી. આ પછી પરણિત પ્રેમિકાએ પોતાના પ્રેમી સાથે લિવ-ઈન કરાર પણ કરાવ્યા હતા. મહિલાના લગ્ન થઈ ગયા પછી પણ પર પુરુષ સાથેના પ્રેમ સંબંધો તેના પરિવારને તથા તેના સાસરિયાને અયોગ્ય લાગતા હતા જેથી તેઓ પરિણીતાને તેના પતિ પાસે પરત લઈ આવ્યા હતા. આ પછી પોતાની પરણિત પ્રેમિકાને પામવા માટે પ્રેમીએ હાઈકોર્ટમાં હેબિસ કોર્પસ દાખલ કરી હતી. અહીં જણાવવામાં આવ્યું હતું કે મહિલાની કસ્ટડી તેની મરજી વિરુદ્ધ ગેરકાયદેસર રીતે લેવામાં આવી છે.

આ દરમ્યાન પ્રેમીએ તેની પરણિત પ્રેમિકાને તેના પતિ સાથે મુક્ત કરાવીને પોલીસ દ્વારા તેને સોંપવામાં આવે તેવી માગણી કરી હતી. જોકે, સરકારે આ મુદ્દે પોતાનો પક્ષ રજૂ કરીને જણાવ્યું કે, અરજદાર પાસે આ પ્રકારની અરજી કરવાનો અધિકાર નથી. જો પરણિતા તેના પતિની કસ્ટડીમાં હોય તો તેને ગેરકાયદેસર કસ્ટડી ના કહી શકાય.

આ કેસની સુનાવણી ચાલ્યા બાદ જજ વીએમ પંચોલી અને જજ એચએમ પ્રચ્છાકની બેંચે જણાવ્યું કે, અરજદારના મહિલા સાથે હજુ સુધી વિવાહ થયા નથી અને મહિલાના તેના પતિ સાથે છૂટાછેડા પણ થયા નથી. આ કેસમાં કોર્ટે ચુકાદો પ્રેમીના નહીં પરંતુ પતિના પક્ષમાં સંભળાવ્યો અને લિવ-ઈન રિલેશનશિપના કરારના પાયા પર અરજી કરવામાં આવી હતી તેને અયોગ્ય ઠેરવવામાં આવી છે. આ સાથે મહિલાને તેના પતિ પાસેથી મેળવવા માટે અરજી કરનારા પ્રેમીને રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં 5000 રૂપિયાનો દંડ ભરવાનો હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.