બ્રેકિંગ@વડોદરા: હરણી બોટ દુર્ઘટનાનો મુખ્ય આરોપી પરેશ શાહ આખરે પોલીસ સમક્ષ હાજર થયો
અટલ સમાચાર, ડેસ્ક
વડોદરા હરણી તળાવમાં બનેલી દુર્ઘટનાનો માસ્ટર માઈન્ડ પરેશ શાહ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થઇ ગયો છે. હરણી તળાવમાં બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહ મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જોકે, હવે તે પોલીસ સમક્ષ હાજર થઇ ગયો છે. જણાવી દઇએ કે, આ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકનું બોટ પલટી જતા મોત થયું હતું.
વડોદરાના હરણી તળાવ ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પિકનિક માટે ગયા પછી જે થયું તે આજે સૌ કોઇ જાણે છે. હવે આ દુર્ઘટના થઇ તેના આરોપીઓને પણ દુનિયા જાણે તે માટે પોલીસ ચૌતરફ તપાસ કરી રહી છે. ત્યારે તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, હરણી દુર્ઘટનાનો મુખ્ય આરોપી પરેશ શાહ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો છે. જો સુત્રોની માનીએ તો પરેશ શાહ વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને તેને આ દરમિયાન ઝડપી લેવામાં આવ્યો હતો, જેનો પોલીસ દાવો કરે છે. પરેશ શાહની ધરપકડ બાદ ઘણા મોટા ખુલાસાઓ થાય તેવી સંભાવનાઓ છે.
કોણ છે પરેશ શાહ ?
પરેશ શાહ કોટિયા કંપનીનો પડદા પાછળનો મુખ્ય વહીવટદાર છે. જોકે વહીવટદાર હોવા છતાં રેકોર્ડ પર તેનું ક્યાંય નામ નથી. ભાજપ (BJP) ના આગેવાનો સાથે તેની સાંઠગાંઠ હોવાનો પણ આરોપ છે. પરેશના ઇશારે તળાવની જગ્યા પર પુરાણ કરી રેસ્ટોરાં પણ ઉભી કરાઇ છે. તળાવનો વહીવટ કરતા કર્મચારીઓના મોબાઇલની ચેટ (Mobile’s Chat) માં આ ખુલાસો થયો છે. સાથે જ પરેશ શાહને રોજેરોજનો હિસાબ અપાતો હોવાનો પણ ખુલાસો થયો છે.