દુર્ઘટના@મહેસાણા: રાત્રે ચા પી ને ઘરે જતાં મિત્રોને બેફામ કારે અડફેટે લીધા, અકસ્માત સર્જી ચાલક ફરાર

 
Mehasana

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગઇકાલે મોડી રાત્રે એક્ટિવા પર સવાર થઈ બે મિત્રો મહેસાણા શહેરના તોરણવાડી ચોકમાંથી ચા પીને ઘરે જવા નીકળ્યા ત્યારે અકસ્માત નડ્યો હતો. આ વ્યક્તિઓ ગુરુદ્વારા પાસે આવતા જ બેફામ ગાડી ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. વિગતો મુજબ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે યુવકોને ઇજાઓ થઈ હતી.ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા 108 મારફતે ઘાયલ યુવકને મહેસાણા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ અકસ્માત સર્જીને ફરાર થયેલા ગાડી ચાલક સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. 

મહેસાણા શહેરના દેસાઈ નગર ખાતે રહેતો નાશીર ખાન પઠાણ અને તેના મિત્ર રંગરેજ સલમાનખાન કાલુખાનને અકસ્માત નડ્યો હોવાનું સામે આવ્યું છે. ગઇકાલે રાત્રે દસ કલાકે પોતાનું એક્ટિવા લઈ તોરણવાડી ચોક ખાતે ચા પીવા ગયા હતા. આ દરમિયાન ચા પીને ઘરે આવતી વેળાએ ગુરુદ્વારા પાસે રાત્રે 11 વાગ્યા આસપાસ GJ.2.DP.4728 નંબરની ગાડીના ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં પુરઝડપે આવી રહેલ ગાડી ચાલકે ટક્કર માર્યા બાદ ગાડી સ્ટ્રીટ લાઈટના થાંભલે અથડાઇ હતી. જેએ બાદમાં કારમાં બેસેલ ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. આ તરફ સ્થાનિકો દ્વારા બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર મામલે મહેસાણા બી ડિવિઝન પોલીસે ફરાર કાર ચોક સામે પોલીસ ફરિયાદ નોંધી છે.