ઉનાળો@ગુજરાત: રાજ્યમાં ગરમીનો પારો 40ને પાર, ડીસા 38 ડિગ્રી, જાણો હવામાનની નવી આગાહી
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા શુક્રવારે કરવામાં આવી હતી. એટલે કે રાજ્યના હવામાન વિભાગે માવઠાની સંભાવના વ્યક્ત કરી નથી. અગાઉ રાજ્યમાં પશ્ચિમી વિક્ષોભના કારણે કમોસમી વરસાદ થતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
ગુજરાત પરથી હાલ કમોસમી વરસાદનો ખતરો ટળ્યો છે પરંતુ બીજી તરફ ગરમીનો પારો 40ને વટાવી ગયો છે. શુક્રવારે પણ રાજ્યમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું હતું. જોકે, આગામી દિવસો દરમિયાન તાપમાનમાં મોટા ફેરફાર નહીં થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સૌથી ઊંચું 41 ડિગ્રી તાપમાન ભૂજમાં નોંધાયું હતું, જ્યારે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના ના હોવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અન્ય ભાગોની વાત કરીએ તો કેશોદમાં 40, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વડોદરા, સુરત, વલ્લભ વિદ્યાનગર, ડીસા, મહુવા, પોરબંદર સહિતના ભાગોમાં તાપમાન 38 ડિગ્રી નોંધાયું હતું.