બ્રેકિંગ@મોરવા: વંદેલીના ભ્રષ્ટાચાર વિશે બોલ્યા ધારાસભ્ય, માનવતાને ધિક્કારે તેવું, દાખલો બેસાડવો પડે

 
Panchmahal

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

અટલ સમાચાર ડોટ કોમ દ્વારા મોરવાહડફની વંદેલી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવતાં જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં ધારાસભ્ય નિમિષાબેનને હજુ તો વંદેલી બાબતે પૂછતાં જે કહ્યું તે ઉપરથી હવે એક વાત સ્પષ્ટ થઈ કે, ભયંકર હદે ભ્રષ્ટાચાર થયો છે. ધારાસભ્ય બોલ્યા કે, સરપંચ થયા ત્યારથી તપાસ કરવી જોઈએ અને દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. ગરીબોના વિકાસના રૂપિયા વિશે બોલ્યા કે, માનવતાને ધિક્કારે તેવું અને અમને પણ ચિંતા છે તેમ ઉમેર્યું હતુ. ધારાસભ્ય બાહોશ અને પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા હોઇ ભ્રષ્ટાચારીઓને કોઈપણ સંજોગોમાં જેલના સળિયા પાછળ ધકેલવા મહેનત કરી રહ્યા છે. જાણીએ વંદેલીના ભ્રષ્ટાચાર વિશે ધારાસભ્યના વિચારો અને પ્લાનિંગ....

પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાની મોટા ગણાતાં વંદેલી ગામમાં છેલ્લા કેટલાય વર્ષોથી એક જ પરિવારનો સરપંચ પદ ઉપર દબદબો છે. કુટુંબના જ માણસોને વારાફરતી સરપંચ પદે બેસાડી એક જ ઈસમે પાછલા બારણે સત્તાનું રિમોટ કંટ્રોલ હાથમાં રાખ્યું છે. આટલા વર્ષોમાં વંદેલી ગ્રામ પંચાયતમાં આવેલી વિવિધ વિકાસનાં કામોમાં તમે કલ્પના ના કરો એટલો ભ્રષ્ટાચાર થયો છે. ઘરની પેઢી હોય તેમ સરકારી એકાઉન્ટમાંથી નાણાં ઉઠાવી પોતાના કામમાં વાપરી દીધા છે. આ અંગે જાગૃત નાગરિકે તત્રને લેખિતમાં રજૂઆત પણ કરી છે.

આ પછી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા રિપોર્ટ પ્રસિદ્ધ કર્યા બાદ વધુ વિગતો માટે મોરવાહડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારને પૂછતાં ચોંકાવનારી વિગતો મળી છે. પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય નિમિષાબેન સુથાર મોરવાહડફ તાલુકામાં ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવાની તૈયારીમાં લાગ્યા છે. વંદેલી ગામના ભ્રષ્ટાચાર મામલે બોલ્યા કે, માનવતાને ધિક્કારે તેવી વાત છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, મોરવાહડફ તાલુકાના વંદેલી ગ્રામ પંચાયતમાં એટીવીટી, કાર્યવાહક, વિકાસશીલ, ટીએસપી, સ્વચ્છ ભારત મિશન, આવાસ, નાણાંપંચ, એમએલએ, એમપી, તાલુકાના નાણાંપંચ અને જિલ્લા નાણાંપંચ સહિતની ગ્રાન્ટો આવતાં ભ્રષ્ટાચારી સરપંચ, તત્કાલીન તલાટી શિવાભાઇ ડામોર, અને એસઓ ધીરેન્દ્ર રાઠોડ સહિતનાએ  એ કબીજાના મેળાપીપણામાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચર્યો છે. આ લોકોએ સરકારી ગ્રાન્ટમાંથી રીતસર ખાયકીનો નગ્ન ખેલ ખેલી ગરીબોનો વિકાસ રોકી દીધો છે. આ વાત જાણી મોરવાહડફ ધારાસભ્ય નિમિષાબેન સુથાર ખૂબ જ ચિંતિત બન્યા અને તાત્કાલિક અસરથી પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારી સાથે વાત કરી તપાસમાં કોઈ કચાશ ના રહે તે માટે સુચના આપી હતી. 

કોણ છે ભ્રષ્ટાચારી અને કેટલો કર્યો ભ્રષ્ટાચાર એ પણ જાણીએ

વંદેલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે તો મારો પરિવાર જ હુકમનો એક્કો રહેશે તેવી માનસિકતા ધરાવતા ઈસમે પાર્ટીમાં રહીને જ ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે. શરૂઆતમાં એકાદ બે કામ કાગળ ઉપર બતાવી ભ્રષ્ટાચાર કર્યો અને પછી કોઈ નિયંત્રણ ના લાગતાં ભ્રષ્ટાચારીએ તમામ ગ્રાન્ટમાં થોડું થોડું બારોબારીયુ શરૂ કર્યું છે. છેલ્લા 15 વર્ષની તમામ ગ્રાન્ટ અને તેના ખર્ચ, કામની ઝીણવટભરી તપાસ થાય તો, કરોડોનો ભ્રષ્ટાચાર મળી આવે તેમ છે. આટલુ જ નહિ ભ્રષ્ટાચારની હદ એટલી છે કે, ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ જવું પડે તેવી શક્યતા છે.