અંધારું@હિલરોડ: મહાકાળી માતાના દર્શનાર્થીઓ રોજ ભયજનક રસ્તે , કલેક્ટરની કમિટી કેમ ચૂપ? વિશેષ રિપોર્ટ

 
Pavagadh

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

મહાકાળી માતા સર્વના દુઃખ હરે છે ત્યારે આસ્થાના કેન્દ્ર એવા પાવાગઢ આવતાં દર્શનાર્થીઓ માટે ઈરાદાપૂર્વકની જોખમી નોબત ઊભી કરી છે. જી હા, ઈરાદાપૂર્વકની એટલા માટે કે, નીચાણમાંથી હિલ વાળો માર્ગ છેક મંદિર ચોક છે જાય છે તે સળંગ માર્ગ ઉપર લાઈટો વાળા થાંભલાઓ માત્ર શોભાના ગાંઠિયા બન્યા છે. મંદિર ટ્રસ્ટે વિજ કનેક્શન મેળવ્યા બાદ દર્શનાર્થીઓને લાઇટોની વ્યવસ્થા આપવાને બદલે અંધારપટમાં ધકેલી દીધા છે. માર્ગ મકાન, ગ્રામ પંચાયત કે મંદિર ટ્રસ્ટ ? એમ કુલ ત્રણ ઓથોરિટી વચ્ચે જવાબદારી કોની તે સવાલનો જવાબ શોધતાં ચોંકાવનારી વિગતો મળી છે. હિલ વાળો માર્ગ આવે આર એન્ડ સ્ટેટમાં પરંતુ લાઇટોની જવાબદારી ટેમ્પલ ટ્રસ્ટની હોવાનું છતાં અંધારપટનો કબજો છે. હવે આગળ જાણો બીજી કોની કોની જવાબદારી છતાં મૌન છે.......

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના જગવિખ્યાત મહાકાળી માતા મંદિરે જતાં શ્રધ્ધાળુઓને મોડી સાંજે કે રાત્રિ દરમિયાન 4.8 કિલોમીટરનો પ્રવાસ જોખમી સંકેત આપે છે. હાલોલ બોડેલી હાઇવેની સામે જતો ઉંચાણવાળો માર્ગ સીધો જ મહાકાળી માતા મંદિરે જાય છે. આ ફોર વે (માર્ગ) લાઇટના થાંભલા વચ્ચે પણ આંધળો બન્યો છે. આંધળો એટલા માટે કે, કરોડોના ખર્ચે વિજપોલ સાથેનો સુપર ડુપર માર્ગ બનાવ્યો અને મંદિર ટ્રસ્ટના નામે વીજળીનું કનેક્શન પણ લીધું હતું, જોકે છેલ્લા કેટલાક સમયથી વીજળીને બદલે અંધારપટનો કબજો આવ્યો છે. જો તમે દૂરથી આવતાં હોય અને મંદિરે પહોંચતાં મોડી સાંજ કે રાત્રિ થતી હોય તો તમારા વાહનમાં લાઇટોની ચકાસણી કરી લેજો, જો તમે પગપાળા જતાં હોય અને મોડી સાંજ પડી ગઈ હોય તો પણ સ્વખર્ચે લાઇટની પૂર્વ તૈયારી કરવી પડે તેમ છે. મંદિર ટ્રસ્ટે હિલ વાળા માર્ગની જવાબદારી અંધારાને સોંપી હોય તેવી નોબત છે. આટલી ગંભીર પરિસ્થિતિ છતાં કલેક્ટરના વડપણ હેઠળની કમિટી, સ્થાનિક ધારાસભ્ય, સંસદ સભ્ય, દેવસ્થાન બોર્ડ, પ્રવાસન નિગમ સહિતના કેમ ચૂપ ?

PM Jaherat
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતું કે, માર્ગ મકાન વાળા કહે છે કે, લાઇટોનુ કનેક્શન જ મંદિર ટ્રસ્ટના નામે છે તો પછી જવાબદારી પણ મંદિર ટ્રસ્ટની છે, આમ છતાં નવરાત્રિ દરમિયાન કલેક્ટર કચેરીની સુચના આવતી હોવાથી વ્યવસ્થા કરીએ છીએ. તો સવાલ એ ઉભો થાય છે કે, કલેક્ટર કચેરી કેમ કાયમી ધોરણે અંધારપટ દૂર કરાવી લાઇટો આપતી નથી ? જેની જવાબદારી બનતી હોય તેને બેફિકર કલેક્ટર કચેરી સુચના ના આપી શકે ? હાલોલ ધારાસભ્ય કેમ શ્રધ્ધાળુઓ માટે અંધારપટના જવાબદારો વિરુદ્ધ સંકલનમાં સવાલ નથી કરતાં ?, અવારનવાર કાર્યક્રમો કરતાં યાત્રાધામ બોર્ડ કે પછી પ્રવાસન નિગમના અધિકારીઓને શું કાર્યક્રમ દરમ્યાન જ લાઇટો જોવે છે ? આ તમામ સવાલો ગંભીર અને તાત્કાલિક અસરથી અગત્યના બની ગયા છે.