કાર્યવાહી@મહેસાણા: દારૂનું કટિંગ કરતી વેળાએ પોલીસ ત્રાટકી, 1 ઈસમ ઝડપાયો, 3.46 લાખનો મુદ્દામાલ જપ્ત

 
Santhal

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જિલ્લામાં ફરી એકવાર દારૂનો મુદ્દામાલ ઝડપાયો છે. સાંથલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા તેજપુરા ગામની સીમમાં પોલીસે કાર્યવાહી કરી દારૂ સહિત રૂ.3.46 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ઇસમને ઝડપી પાડ્યો છે. વિગતો મુજબ સાંથલ પોલીસને આ અંગે બાતમી મળી હતી જે આધારે પોલીસે કાર્યવાહી કરી છે. 

મહેસાણા જિલ્લાની સાંથલ પોલીસે તેજપુરા ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.પોલીસને બાતમી મળી હતી કે, સાંથલ પંથકના તેજપુરાથી કાનપુરા જતા રોડ પર આવેલા મંદિર પાસે ઝાલા દેવેન્દ્ર તેમજ સુનિલ બન્નો નામના શખ્સ વિદેશી દારૂ બહારથી લાવી તેનું કટિંગ કરાવી રહ્યા હતા. આ બાતમીના આધારે પોલીસ દરોડા પાડી એક ઈસમને ઝડપી પાડ્યો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, પોલીસે કાર્યવાહી દરમ્યાન સ્થળ પરથી રૂ.1.46 લાખનો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે સ્થળ પરથી ઇનોવા ગાડી કિંમત રૂ.2 લાખ મળી કુલ રૂ.3 લાખ 46 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ઠાકોર પરબતજીને ઝડપી પાડ્યો હતો અને ગુનાના અન્ય આરોપી ઝાલા દેવેન્દ્ર તેમજ સુનિલને ઝડપી લેવા વધુ તપાસ શરૂ કરી છે.