રિપોર્ટ@ગુજરાત: એક જ દિવસમાં ₹500નો વધારો થતાં ₹63,000એ પહોંચ્યો સોનાનો ભાવ

 
Gold Price

અટલ સમાચાર, ડેસ્ક

સોનાના ભાવમાં છેલ્લા અમુક મહિનાથી સતત વધારો નોંધાઈ રહ્યો છે. આ સાથે હજી પણ સોનાનાં ભાવમાં ઉછાળો ચાલુ જ છે. અમદાવાદના બજારમાં શુક્રવારે 10 ગ્રામ સોનાનો ભાવ 63,000 રૂપિયા પર પહોંચ્યો હતો. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે અને સોનાને સુરક્ષિત રોકાણ તરીકે જોવામાં આવે છે એટલે જ લોકો તેમાં વધુ ને વધુ રોકાણ કરવાનું પસંદ કરે છે. 

વિશ્લેષકોનું માનીએ તો આ જ કારણે સોનાના ભાવ ઊંચા ચડી રહ્યા છે. એક જ દિવસમાં 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ ગ્લોબ કાઉન્સિલ અનુસાર ગત સાંજે પાંચ વાગ્યા સુધીમાં વૈશ્વિક માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ટ્રોય આઉન્સે 2,033.35 ડોલર પર પહોંચ્યો હતો.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ અસોસિએશન (IBJA)ના ડાયરેક્ટર હરેશ આચાર્યના કહેવા અનુસાર, "મોટી અર્થવ્યવસ્થાઓમાં મંદીના ભણકારા વાગી રહ્યા છે. આ ઉપરાંત યુએસ ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે જેના કારણે સુરક્ષિત ગણાતા સોનામાં લોકોનું રોકાણ વધ્યું છે. પરિણામે તેના ભાવ ઊંચે ચડ્યા છે.અર્થતંત્રની ડામાડોળ સ્થિતિ વચ્ચે છેલ્લા થોડા સમયથી સેન્ટ્રલ બેંકો પણ સોનામાં રોકાણ કરી રહી છે." 

આ સાથે ઉમેર્યું હતું કે, બજારમાં ગોલ્ડ બુલિયન માગ છૂટીછવાઈ જોવા મળે છે પરંતુ જ્વેલરીના એટલા ખરીદદારો નથી. "આ વખતે અખાત્રીજ પર થોડી-ઘણી ખરીદી થાય તેવી આશા રાખી રહ્યા છીએ. જોકે ઊંચી કિંમતોને પગલે એકંદરે વેચાણ ઓછું રહી શકે છે.આગામી દિવસોમાં સોનાના ભાવમાં ખાસ વધારો-ઘટાડો થાય તેવું દેખાતું નથી. મહત્વનું છે કે, શુક્રવારે એક કિલો ચાંદીનો ભાવ પણ 76,500 રૂપિયાએ પહોંચ્યો હતો.