રિપોર્ટ@ગુજરાત: પ્રદુષણની સમસ્યા વધુ ઘેરી બનતા રાજ્યની હવા બની ઝેરી, જાણો વધુ

 
Polusion

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં પ્રદુષણની સમસ્યા વધુને વધુ ઘેરી બની રહી છે. હવામાં ઝેરી રજકણોની માત્રા એટલી હદે વધી રહી છે કે અમદાવાદ શહેર જાણે ગેસ ચેમ્બરમાં ફેરવાઈ રહ્યું છે. પ્રદુષણને નિયંત્રણમાં લેવાના નામે કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે, પણ કમનસીબે અમદાવાદીઓને આજેય શુદ્ધ હવા નથી મળી રહી. આ કડવી વાસ્તવિક્તા છે, દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઈન્ડેક્સનો આંક 200 સુધી પહોંચ્યો.

હવામાં પ્રદુષણની માત્રા વધતાં દિલ્હી સહિત અન્ય રાજ્યોને સુપ્રિમ કોર્ટે નોટિસ ફટકારીને ખુલાસો પૂછ્યો છે. જોકે ગુજરાતમાં હવાના પ્રદુષણને લઈને સ્થિતિ સારી નથી, અમદાવાદમાં ગ્યાસપુર અને રખિયાલ સૌથી પ્રદુષિત વિસ્તાર રહ્યા હતા. ગ્યાસપુરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 182, રખિયાલમાં 165, બોડકદેવમાં 153, ઘુમામાં 152, શાહીબાગમાં 112, મણિનગરમાં 139 એર ક્વોલિટી ઈન્ડેક્સ રહ્યો હતો.

ઓક્ટોબર માસમાં અમદાવાદ શહેરની હવા એકેય દિવસ શુદ્ધ રહી નથી. આખો મહિનો અમદાવાદીઓને હવાના પ્રદુષણનો સામનો કરવાનો વારો આવ્યો હતો. પ્રદુષણ ઓકતી ફેક્ટરી- કારખાના અને ધુમાડો ઓકતા વાહનો હવાના વધતા પ્રદુષણ માટે જવાબદાર પરિબળ છે. આમ છતાંય કોઈ પગલાં લેવાતા નથી. દિવાળીના તહેવારો દરમિયાન તો ફટાકડાને કારણે હવા વધુ પ્રદુષિત બને તેમ છે. ઝેરી હવાના કારણે હવા પ્રદુષિત બને તેમ છે. ઝેરી હવાને કારણે દમ, શ્વાસ અને ફેફસાના દર્દીઓની મુશ્કેલી વધી છે. પ્રદુષણ નિયંત્રણના નામે ગુજરાત પ્રદુષણ બોર્ડ લાખો કરોડો રૂપિયા ખર્ચે છે, પણ હજુય પરિસ્થિતિમાં સુધારો આવ્યો નથી.