બ્રેકિંગ@હવામાન: ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં હવે પડશે આકરી ગરમી, અંબાલાલની મોટી આગાહી

 
Ambalal Patel Summer

અટલ સમાચાર, ડેસ્ક

અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરતા અંબાલાલ જણાવે છે કે, આગામી દિવસોમાં ગુજરાતમાં સખત ગરમી પડી શકે છે, મધ્ય ગુજરાતના ભાગોમાં સખત ગરમી પડશે, કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સુધી પણ જઈ શકે છે. આણંદ, વડોદરા સહિતના ભાગોમાં ભારે ગરમી પડવાની આગાહી સાથે ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો ઊંચો જઈને કેટલાક ભાગોમાં 43 ડિગ્રી સુધી પારો પહોંચવાની શક્યતાઓ છે.

આ તરફ ઉત્તર સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ગરમીનો પારો ઊંચો જવાની આગાહી અંબાલાલ પટેલ કરી રહ્યા છે. આ ગરમી પડવાનું કારણ તેમણે બંગાળના ઉપસાગરમાં ચક્રવાતનું સર્જન થઈ રહ્યું છે તેને ગણાવ્યું છે. બંગાળની ખાડીમાં બનેલું લો-પ્રેશર આગામી દિવસોમાં ડિપ્રેશન અને તે પછી વાવાઝોડું બનીને આગળ વધશે. મોચા વાવાઝોડું બંગાળની ખાડીમાં કઈ રીતે ટ્રેક કરશે તેના પર હવામાન વિભાગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.

આ સાથે અંબાલાલ પટેલ તારીખ 22, 23 અને 24 દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી રહ્યા છે. આ સિવાય આંધી-વંટોળનું પ્રમાણ વધવાની સંભાવનાઓ પણ તેઓ જોઈ રહ્યા છે. આંધી-વંટોળની અસર બાગાયતી પાકો પર થતી હોય છે તેવું પણ પણ અંબાલાલ જણાવી રહ્યા છે.