નિર્ણય@પંચમહાલ: આજથી પાવાગઢ મંદિરમાં નારિયેળ વધેરવાનો નિયમ બદલાયો, જાણો એક જ ક્લિકે

 
Pavagadh

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના પવિત્ર શક્તિપીઠ પાવાગઢ ખાતે છોલેલું શ્રીફળ નીજ મંદિરમાં લઈ જવા તેમજ તેને વધેરવા પર આજથી પ્રતિબંધ મૂકાયો છે. પાવાગઢ મંદિર પરિસર તેમજ આજુબાજુની જગ્યાઓમાં શ્રીફળના કુચા તેમજ તેને લઈને ગંદકી થતી હોવાને લઈને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય કરાયો છે. ત્યારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ આજથી આ નિર્ણયનો અમલ ચુસ્તપણે કરાવશે. આ સાથે જ પાવાગઢ માંચી ખાતે શ્રીફળ ફોડવા માટેનું મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મૂકવામાં આવ્યું છે. શ્રીફળ ફોડવા માટેના મશીનનો આજથી શુભારંભ કરવામાં આવશે. જેથી ભક્તો હવે બાધા માટે અહી જ શ્રીફળ ફોડીને જઈ શકશે.

Jaherat
જાહેરાત

પાવાગઢ મંદિરમાં છોલેલું નાળિયેર લાવવા પર પ્રતિબંધ મુકાયો છે. તો સાથે જ છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન કરાયું છે. સ્વચ્છતા અંગે મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયો લેવાયો છે. સાથે જ વેપારીઓ પણ જો છોલેલું નાળિયેર વેચશે તો દંડનીય કાર્યવાહી કરવાની જાહેરાત ટ્રસ્ટ દ્વારા કરાઈ. આ નિર્ણય આજથી જ પાવાગઢ મંદિરમા અમલી બનશે. મંદિરના ટ્રસ્ટીઓએ વોટ્સએપ નોટ દ્વારા આ નિર્ણય જાહેર કર્યો છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ નિર્ણયથઈ સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. તો ભક્તોએ પણ તેનો વિરોધ કર્યો હતો. જોકે, હવે યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મશીન મુકાયું છે. પાવાગઢ મંદિરમાં મૂકાયેલુ નારિયેળ છોલવાનું મશીન ઓટોમેટિક છે. જેમાં માત્ર 2 સેકન્ડમાં નારિયેળની છાલ છોલી નાંખશે. જેથી ભક્તોને પણ નારિયેળ ફોલવાની કોઈ તકલીફ નહિ પડે.  

શું છે નવો નિયમ

શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા અગત્યની જાહેરાત તેમજ તાત્કાલિક અમલમાં મુકવા માટેની સૂચના અપાઈ છે. જે મુજબ, આજ તારીખ 14/ 3 /23 ના રોજ મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની સૂચના આપવામાં આવે છે કે, 

1. તારીખ 20 3 23 ને સોમવારથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં.

2. મંદિરમાં શ્રીફળ પોતે જ માતાજીને ધરાવી ચૂંદણી સાથે ઘરે લઈ જવાનું રહેશે .

3. ઘરે લઈ ગયા પછી આ શ્રીફળ ચુંદડીમાં બાંધી આપ મંદિરમાં પૂજામાં મૂકી રાખો તેવો આગ્રહ છે. અથવા ઘરે જઈને પાણીયારે મૂકી પછી તેનો પ્રસાદ કરી આપ સૌને વહેંચી શકો છો.

4. જે વેપારીઓ પાસે થી છોલેલું શ્રીફળ મળશે તેઓની સામે પવિત્ર સ્થાન માં સ્વચ્છતા રાખવા માં સહકાર નહિ આપવા તથા ગંદકી કરવા બદલ સરકારશ્રી ના સંબંધિત અધિકારી દ્વારા નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે .

5. મંદિર ટ્રસ્ટના સિક્યુરિટી ગાર્ડ શક્તિ દ્વારથી એટલે કે દુધિયા તળાવથી ચેક કરશે અને છોલેલું શ્રીફળ ઉપર લાવવા દેશે નહીં જેની નોંધ સર્વ વેપારી અને માઈ ભક્તોને લેવા વિનંતી.

6. સિક્યુરિટી સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે.