ગંભીર@માંડલ: સરપંચે પોતાના જ નામે ઉપાડ્યા લાખો રૂપિયા, દેખીતો ભ્રષ્ટાચાર છતાં કાર્યવાહી મૃતપ્રાય

 
Mandal

અટલ સમાચાર ડોટ કોમ, વિરમગામ

માંડલ તાલુકાના ગામોમાં સરપંચો સરકારની નિયત નાણાંકીય પ્રક્રિયાને અવગણી રહ્યા છે કે ચેલેન્જ આપી રહ્યા? આમ છતાં શું તાલુકા કે જિલ્લા પંચાયત તપાસ કરી નાણાંકીય અનિયમિતતા કે નિયત પ્રક્રિયા વિરુદ્ધ કાર્યવાહી ના કરી શકે? આ સવાલ એટલા માટે ઉભો થયા કે, દાલોદ ગ્રામ પંચાયતના બેંક સ્ટેટમેન્ટના ડેટા જોતાં સામે આવ્યું કે, તત્કાલીન સરપંચે અનેકવાર સેલ્ફથી એટલે કે પોતાના નામે જ પેમેન્ટ ઉપાડ્યું હતુ. હવે આ સરપંચે કયા કામ માટે પેમેન્ટ ઉપાડ્યું અને ઉપાડેલી રકમ કોને આપી હશે તે તપાસનો વિષય બન્યો છે. સમગ્ર મામલે વારંવારની રજૂઆતો છતાં કોણ કેમ છાવરી રહ્યું જાણીએ સ્પેશિયલ રિપોર્ટમાં..

Mandal

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના દાલોદ ગ્રામ પંચાયતનો ચોંકાવનારો નાણાંકીય વહીવટ સામે આવ્યો છે. ગ્રામ પંચાયતને મળતી નાણાંપંચની ગ્રાન્ટ સરપંચ અને તલાટીના સત્તાવાર બેંક ખાતામાં જમા થાય છે. જેનો ઉપાડ વિકાસના કામો માટે કરીને સીધું વેન્ડર, સર્વિસ પ્રોવાઈડર કે ઠેકેદારને થાય છે. જોકે વર્ષ 2018 દરમ્યાનના સરપંચ અને તલાટીએ ભેગાં મળીને અવારનવાર લાખો રૂપિયાનો જે ઉપાડ કર્યો તે શંકાસ્પદ છે. સરેરાશ 25 લાખથી વધુનો ઉપાડ સરપંચે પોતાના જ નામે કર્યો હતો અને આ રકમથી નાણાંપંચ હેઠળની જોગવાઈ મુજબના કામો થયા છે કે નહિ તે પણ ગંભીર સવાલ છે. સરપંચે કેમ સેલ્ફ ચેકથી નાણાં ઉપાડ્યા અને તલાટીએ કેમ ઉપાડવા દીધા એ સવાલ હતો પરંતુ મામલો ત્યારે ગંભીર બન્યો કે, સમગ્ર ઘટનાક્રમ માંડલ તાલુકા પંચાયતને ધ્યાને મૂકવામાં આવ્યો છતાં કોઈ કાર્યવાહી કરી નથી.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દાલોદ ગ્રામ પંચાયતના સત્તાવાર બેંક ખાતામાંથી સરપંચે કોના માટે સરકારી નાણાં ઉપાડી લીધા એ કાયદેસરની તપાસનો વિષય છે. પ્રથમ દ્રષ્ટિએ મામલો ઉચાપતનો અને નાણાંકીય ગેરરીતિ અનિયમિતતાનો જણાતાં અમદાવાદ જિલ્લા પંચાયતને ફરિયાદ થઇ હતી. જોકે કોઈ કારણોસર શંકાસ્પદ જણાતી અને ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરતી ફરિયાદની પારદર્શક તપાસ અને કાર્યવાહી કેમ મરણપથારીએ રાખવામાં આવી તે સવાલ છે. જાગૃત નાગરિકના મતે, ઈરાદાપૂર્વક સમગ્ર મામલે કસૂરવારોને બચાવવા અથવા સરપંચના કારણે અન્ય અધિકારીઓ/પદાધિકારીઓને છાવરવા ધોરણસરની કાર્યવાહી કરવામાં આવતી નથી.