દુ:ખદ@રાજકોટ: એકનો એક પુત્ર કોઠીમાં ઉતર્યો અને ઢાંકણું બંધ થઈ જતાં મોત, પરિજનો શોકમગ્ન

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાં એક ચોંકાવનારી અને ચેતવણીજનક ઘટના સામે આવી છે. વિગતો મુજબ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતું દંપતી શનિવારે સવારે પોતાના એકના એક પુત્રને ઘરે મૂકીને કામ પર ગયું હતું. આ તરફ મહિલા સાંજે ઘરે પરત આવી ત્યારે દીકરો જોવા નહીં મળતાં તેની શોધખોળ શરૂ કરી હતી અને અંતે પોલીસમાં જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. આ તરફ બાળકે કેવા રંગના કપડાં પહેર્યા હતા તે જોવા માટે માતાએ ઘઉંની કોઠીનું ઢાંકણ ખોલતાં જ પુત્રનો મૃતદેહ તેમાંથી મળી આવ્યો હતો.

રાજકોટના ચુનારાવાડ પાસેના શિવાજીનગરમાં રહેતા જયેશભાઇ બારૈયા અને તેના પત્ની ઉષાબેન બારૈયા શુક્રવારે સવારે કામ પર ગયા હતા, તેમનો નવ વર્ષનો પુત્ર મીત બીમાર હોવાથી તે શાળાએ ગયો નહોતો અને ઘરે રોકાયો હતો. જ્યારે ચાર વર્ષની પુત્રી બંસીને જયાબેન તેના માતાના ઘરે મૂકી ગયા હતા. સાંજે સાડાચાર વાગ્યે ઉષાબેન કામ પરથી ઘરે આવ્યા ત્યારે પુત્ર મીત જોવા નહીં મળતાં તેમણે પાડોશમાં રહેતા જેઠ દીપકભાઇના ઘરે તપાસ કરતાં ભત્રીજી અર્ચનાએ કહ્યું હતું કે, ચાર વાગ્યે મીતને ઘર નજીક રમતા જોયો હતો. પુત્ર લાપતા થયાની જયેશભાઇને જાણ કરાતા તેઓ પણ ઘરે પહોંચી ગયા હતા અને બારૈયા પરિવારે પરિવારજનો અને સંબંધીઓને ત્યાં તપાસ કરી હતી તેમજ કુવાડવા સુધી રૂબરૂ જઇ પુત્રની શોધખોળ કરવા છતાં તેનો પત્તો નહીં લાગતા અંતે મીત ગુમ થયા અંગેની થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ તરફ થોરાળા પોલીસે નવ વર્ષનો માસૂમ મીત લાપતા થતાં કોઇ શખ્સ અપહરણ કરી ગયાની શંકાએ અપહરણનો ગુનો નોંધ્યો હતો અને બાળકની શોધખોળ આદરી હતી. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં લાલ ટીશર્ટ પહેરેલો એક બાળક કેમેરામાં દેખાયો હતો. મીતે કાળા રંગનું ટીશર્ટ પહેર્યું હતું પરંતુ પોતે કામ પર ગયા બાદ કદાચ પુત્રએ ટીશર્ટ બદલ્યું હશે તેવી શંકાએ ઉષાબેને ઘરે જઇ ઘઉં ભરવાની કોઠી કે, જેમાં કપડાં રાખતા હતા તે કોઠીનું ઢાંકણ ખોલતાં જ મીતનો મૃતદેહ મળી આવ્યો હતો.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ​​​​​​​બાળકની લાશ મળ્યા અંગેની જાણ કરાતા થોરાળા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને રાત્રે હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. ઉષાબેને પોલીસ સમક્ષ કહ્યું હતું કે, ઘઉં ભરવાની કોઠીમાં કોઇ કપડાં રાખ્યા નહોતા પરંતુ મીતનો મૃતદેહ કોઠીમાંથી મળ્યો ત્યારે કોઠીમાં મીતના કપડાં મળ્યા હતા એટલે ઘરે એકલા રહેલા મીતે રમતાં રમતાં કોઠીમાં કપડાં નાખી દીધા હશે અને તે કપડાં લેવા કોઠીમાં ઉતરતાં જ ઢાંકણ બંધ થઇ જતાં તેનું ગૂંગળાઇ જવાથી મૃત્યુ થયું હતું.