રિપોર્ટ@આદરિયાણા: કચ્છી જૈન પરિવારની દિકરીએ લક્ઝુરીયસ જીવનને ત્યાગી સંયમનો માર્ગ લીધો

 
Aadriyana
અટલ સમાચાર ડોટ કોમ, પાટડી
પાટડી તાલુકાના એક ગામમાં એક તરફ ભવ્ય જીવનની ખેવના તો બીજી તરફ સંયમના માર્ગે જવાની ઘેલછાની ઘટના સામે આવી છે. વર્ષો પહેલાં કચ્છી જૈન પરિવારે પાટડીના આદરિયાણા ગામે રોજીરોટી માટે આવી ગામમાં વેપારી તરીકેની ઓળખ બનાવી છે. આ પરિવારે દિકરીને ઉછેરી ભણાવી ગણાવીને ભવ્ય જીવન આપવાની દોડધામ કરી પરંતુ સારા સંસ્કાર કંઇક અલગ કરાવે છે. જૈન પરિવારોમાં સંયમી જીવનનું ખૂબ મોટું મહત્વ હોવાથી આ પરિવારની દિકરીએ લક્ઝુરીયસ જીવનને ત્યાગી સંયમનો માર્ગ એટલે કે દિક્ષા લેવાની તૈયારી બતાવી તો સગાં સંબંધીઓને ચોંકી ગયા હતા. આખરે દિકરીએ પકડ મજબૂત રાખતાં પરિવારે અને સગાં સંબંધીઓએ હસતા હસતા મોટું સ્વાગત ગોઠવી સંયમના માર્ગે જવા સપોર્ટ કર્યો હતો. જેમાં પ્રથમ વાજતે ગાજતે અને સંગીતના તાલે રેલી યોજી અનેક લોકોની હાજરીમાં રેલી અને હવે આવતીકાલે રવિવારે શંખેશ્વર ખાતે દીક્ષા ગ્રહણ કરી દિકરીએ સંયમ તરફ પ્રયાણ કરવાની તૈયારી કરી છે. જાણીએ સમગ્ર અહેવાલ...
Aadriyana
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના આદરિયાણા ગામના જયેશભાઈ રતિલાલ ગઢેચાની દીકરી આયુસી ભણીગણીને આગળ વધી રહી હતી. ધોરણ 12 પાસ બાદ કોલેજમાં અભ્યાસ કરતાં કરતાં સુખી જીવનની મોહમાયાની ઘેલછા છોડવાનો વિચાર કરતી હતી. ઘરના સંસ્કાર, જૈન ધર્મમાં આસ્થા, પરિવારનું સિંચન આ બધાથી એવો ઉછેર થયો કે, કોલેજની યૌવન લાઇફ છોડીને દિકરી આયુસીએ દિક્ષા ગ્રહણ કરવા મન મનાવી લીધું હતું. સંસ્કારી દિકરીને સુખી પરિવારે લગ્ન કરાવી લક્ઝુરીયસ જીવન આપવાની તૈયારી કરવાનો સમય આવ્યો ત્યાં સંસાર જ ત્યાગવાનો નિર્ણય સૌ કોઈને ચોંકાવનારો બની શકે છે. વાત જોતજોતામાં સગાં સંબંધીઓમાં અને ગામમાં ફેલાઈ જતાં બધા દિકરી આયુસીના સંયમના માર્ગે જવાના નિર્ણયથી અવાક્ બની ગયા હતા. આખરે દિકરીના પિતા જયેશ રતિલાલ ગઢેચાએ દિક્ષા ગ્રહણ કરવાનો યોગ્ય સમય કાઢી સૌ કોઈને જાણ કરી છે.
Aadriyana
આદરિયાણા ગામના વેપારી જયેશ રતિલાલ ગઢેચાની દિકરી દિક્ષા ગ્રહણ કરતી હોવાનું સાંભળી રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પછી જૈન ધર્મના નિયમો અને સાંસ્કૃતિક રીતરિવાજો તેમજ દિક્ષા ગ્રહણની સમગ્ર જોગવાઈ મુજબ આવતીકાલે રવિવારે સમગ્ર આયોજન ગોઠવ્યું છે. 12 માર્ચે આદરિયાણા નજીક જૈન ધર્મના મોટું મથક એવા શંખેશ્વર ગામે દિકરી આયુસીનો દિક્ષા ગ્રહણનો કાર્યક્રમ હોઈ ગામમાં તડામાર તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.