આગાહી@ગુજરાત: ફરી એકવાર પલટાશે રાજ્યનું હવામાન, અંબાલાલ પટેલે શું કહ્યું ?

 
Ambalal Patel

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઇ રહ્યા છે. વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળછાયું વાતાવરણ પણ રહે છે. જેના કારણે તાપમાન ઉંચું નોંધાઇ રહ્યું છે. જોકે, અરબી સમુદ્ર તરફથી ભેજ આવતો હોવાથી સવારે વાતાવરણ ધૂંધળું દેખાય છે. પરંતુ આગામી 4 દિવસમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે અને 4 દિવસ બાદ ફરી 2થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલેજણાવ્યું છે કે, 3થી 5 ફેબ્રુઆરીએ મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે. રાજસ્થાનના ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ગુજરાતના ભાગોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. અમુક વિસ્તારમાં છાંટા પડવાની શક્યતા છે. ઉત્તર પૂર્વ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદી છાંટા પડી શકે. પરંતુ 10થી 15 ફેબ્રુઆરીએ પણ વાદળો આવવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 7 ફેબ્રુઆરીથી ફરી ઠંડીનું જોર વધશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રીએ પહોંચી જશે અને રાતે તેમજ વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે. કોઈ વિસ્તારમાં હિમ પણ પડી શકે. જો કે હાલ તો વાદળો છે. જેના કારણે ઠંડી પડતી નથી. ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધશે ત્યાર બાદ ફરી 19થી 22 ફેબ્રુઆરીએ મજબુત સિસ્ટમ આવશે. આ વખતે ગરમી સાથે ઠંડી, એમ બેવડી ઋતુનો અહેસાસ થશે. ચાલુ વર્ષે શિયાળામાં વારંવાર વાતાવરણ પલટાના કારણે તાપમાન નીચું ગયું નથી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબુત ન આવવાના કારણે ઠંડીમાં વધધટ થયા કરી છે. ચાલુ વર્ષે શિયાળમાં કોલ્ડવેવ કે કોલ્ડ ડેની આગાહી આવી નથી. માત્ર એક દિવસ કચ્છના એકાદ વિસ્તારમાં કોલ્ડવેવ રહ્યું હતું. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવ્યા કરશે. જેના કારણે તાપમાનમાં વધઘટ રહેશે અને લોકો બેવડી ઋતુનો અહેસાસ કરશે.