રાહત@મહેસાણા: સિટીબસના ડ્રાઇવર-કંડક્ટરોની હડતાળ પૂર્ણ, આજથી ફરી સેવા શરૂ

 
Mehsana City Bus

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા શહેરમાં બે વર્ષથી ચાલતી સિટીબસના ડ્રાઇવર-કંડક્ટરોની હડતાળ પૂર્ણ થઈ છે. વિગતો મુજબ સિટીબસ માટે નવી ભરતી કરવા કોન્ટ્રાક્ટ એજન્સીએ જાહેરાત આપતાં ચિંતામાં મૂકાઇ ગયેલા ડ્રાઇવર અને કંડક્ટરોએ સોમવારે હડતાળ પાડી હતી. જેને લઈ તમામ રૂટમાં આખો દિવસ બસ સેવા બંધ રહી હતી. તમામ ડ્રાઇવર અને કંડક્ટરોએ પાલિકામાં સિટીબસ ઇન્ચાર્જ હરેશ પટેલ તેમજ પાલિકા પ્રમુખ અને અધિક નિવાસી કલેક્ટર સમક્ષ પણ અનિયમિત પગાર, મહિનામાં એકપણ રજા નથી અપાતી, રજા પાળીએ તો પગાર કપાત, 12 કલાકના બદલે 14 કલાક ફરજ સહિતની ફરિયાદો કરી હતી.

મહેસાણામાં સિટીબસના ડ્રાઇવર-કંડક્ટરોની હડતાળ અંગે પાલિકા પ્રમુખે એજન્સી અને તેમના કર્મચારીઓ વચ્ચે સંકલનના પ્રયાસો શરૂ કર્યા હતા. જેને લઈ ગુરુકૃપા એન્જસીના બ્રિજેશભાઇ બારોટે જણાવ્યું હતું કે, કોઇને છુટા કર્યા નથી, ન આવે તો વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે એટલે જાહેરાત આપી છે. મંગળવારથી સિટીબસ ચાલુ કરી દઇશું. મહત્વનું છે કે, પાલિકામાં વિપક્ષ નેતા કમલેશ સુતરીયાએ કર્મચારીઓ સાથે શાખા ઇન્ચાર્જ સમક્ષ એજન્સી સામે રજૂઆતો કરી હતી અને મે મહિનામાં ત્રણ દિવસ એજન્સીએ પાલિકાને જાણ કર્યા વગર સિટીબસ બંધ રહેતાં મુસાફરો રઝળ્યા હોઇ કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

સમગ્ર મામલે સિટીબસ ઇન્ચાર્જ હરેશ પટેલે જણાવ્યું કે, સિટીબસ બંધ રહેતાં બિલમાંથી રૂ.40 હજાર પેનલ્ટી કપાશે. અત્યાર સુધી રૂ.10.93 લાખ પેનલ્ટી કપાઇ છે. સિટી બસના ડ્રાઇવર કંડક્ટરોને દર મહિનાનો પગાર અપાયો છે. ક્યાંક બે-ચાર દિવસ આઘુંપાછું રહ્યું હોય. પાલિકામાં ત્રણ બિલ બાકી છે, છતાં કર્મીઓનો પગાર તો કરાય જ છે. પહેલી વખતની ભરતીમાં 1600 ફોર્મ આવેલાં, ક્યાંક કોઇ કર્મી ન આવે તો વૈકલ્પિક રાખવા ભરતીની જાહેરાત આપી તો તેનો આ લોકો વિરોધ કરે છે. અમે કોઇને છુટા કર્યા નથી, છતાં ન આવે તો શું કરવાનું. બસ બંધમાં રૂ.5 હજાર પેનલ્ટી લાગી રહી છે. એટલે અમે મંગળવારથી રાબેતા મુજબ સિટીબસ ચાલુ કરવાના છીએ.