કાર્યવાહી@મહુડી: મંદિરના ટ્રસ્ટીઓએ જ 45 લાખનું સોનાનું વરખ વેચી માર્યું, પોલીસે કર્યું ઘટનાનું રીકન્સ્ટ્રક્શન

 
Mahudi

અટલ સમાચાર, ડેસ્ક

મહુડી મંદિરમાં ચોરીની ઘટના બાદ હવે વધુ એક મોટી અપડેટ સામે આવી છે. માણસાના સુપ્રસિદ્ધ જૈન તીર્થધામમાં 45 લાખની કિંમતનું 700 થી 800 ગ્રામ સોનાનું વરખ સગેવગે કરવાના પ્રકરણમાં પોલીસે તપાસ તેજ કરી છે. જેમાં પકડાયેલા બન્ને ટ્રસ્ટીઓએ માણેકચોકનાં સોનીને સોનાના વરખ વેચી મારી રૂપિયા લઈ લીધા હોવાનું ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. જેને લઈ પોલીસે બંનેને સાથે રાખીને મંદિર ખાતે આખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું છે.

ગાંધીનગરના માણસામાં આવેલા મહુડી મંદિરમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી હતી. મંદિરના ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનિલ મહેતા દ્વારા ભંડારામાંથી રોકડની ઉચાપત ઉપરાંત ભગવાનને ચઢાવવામાં આવતાં સોનાના વરખની ચોરી કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. આ તરફ મંદિર ટ્રસ્ટના 8 ટ્રસ્ટીઓ પૈકી ભૂપેન્દ્રભાઈ વોરાની ફરિયાદના આધારે ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે બંને ટ્રસ્ટી નિલેશ મહેતા અને સુનીલ મહેતાની ધરપકડ કરી 11 મી એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, બંને ટ્રસ્ટીઓએ ભગવાનના સોનાના વરખ રાખેલી ડોલમાંથી અંદાજીત 45 લાખની કિંમતનું વરખ સગેવગે કરી દેવામાં આવ્યું હતું. ધન તેરસનાં દિવસે વર્ષોની પરંપરા મુજબ સોનાના વરખની વજન કરાવવામાં આવ્યું હતું. જોકે પ્રતિવર્ષ કરતાં ઓછા વજનનું સોનાનું વરખ હોવાથી ભૂપેન્દ્રભાઈને શંકા ગઈ હતી. આ તરફ તેમણે મંદિરના સીસીટીવી ચાલુ કર્યા બાદ તપાસ કરતા નિલેશ મહેતા અને સુનિલ મહેતાની સંડોવણી સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ મામલે લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા બન્નેના ઘરની ઝડતી લઈને સોનાનો દોરો રિકવર કરી લેવામાં આવ્યો હતો.

ઘટનાનું કરાયું રી કન્સ્ટ્રક્શન

આ તરફ પોલીસ દ્વારા બંનેની પૂછપરછ કરતાં અંદાજીત 45 લાખની સોનાનું વરખ ચોરીને માણેકચોકના એક સોનીને વેચી દીધાની કબૂલાત કરી હતી. જેનાં પગલે LCBએ માણેકચોકમાં જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બીજી તરફ આખી ચોરીની ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો તે જાણવા LCBએ બંને ટ્રસ્ટીને મંદિરમાં લઈ જઈ રી કન્સ્ટ્રક્શન પણ કરાવ્યું છે.