ક્રાઇમ@અમદાવાદ: ધોળા દિવસે વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી બાઇકચાલક ફરાર

 
Ahemdabad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરનાં પશ્ચિમ વિસ્તારમાં ધોળા દહાડે મોબાઈલ ઝૂંટવી લેવાની ઘટના બની છે, વિદ્યાર્થી રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું ધ્યાન મોબાઈલ ફોનમાં હતું અને તે તેમાં કંઈક કરી રહ્યો હતો પરંતુ આ દરમિયાન એક શખ્સ તેની પાછળથી આવે છે અને તરાપ મારીને મોબાઈલ ફોન ઝૂંટવીને ફરાર થઈ જાય છે. જોકે, આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ છે.

ગુલબાઈ ટેકરા પાસે આવેલી ઈસ્કોન રેસિડેન્સીનો આ બનાવ છે. જેમાં મોબાલઈ સ્નેચિંગની ઘટના બની છે, એક બાઈક પર આવેલો શખ્સ ગણતરીની સેકન્ડમાં વિદ્યાર્થીના હાથમાંથી મોબાઈલ ફોન તફડાવીને ફરાર થઈ જતો દેખાય છે. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. વિદ્યાર્થી સાથે જ્યારે આ ઘટના બની ત્યારે આ વિસ્તારમાં તે એકલો જ ચાલીને જઈ રહ્યો હતો, જેનો લાભ ઉઠાવીને બાઈક પર આવેલો શખ્સ મોબાઈલ ઝૂટવીને ફરાર થઈ ગયો હતો.

બાઈક પર આવેલા શખ્સને જાણે પહેલેથી જ રેકી કરીને પ્લાન બનાવ્યો હોય તેવું આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જેવો શખ્સ યુવકની નજીક પહોંચે છે કે તરફ બાઈક ધીમું પાડીને વિદ્યાર્થીના હાથમાંથી ફોન ઝૂંટવી લે છે. આ પછી ત્યાંથી યુવક બાઈકની સ્પીડ પ્લાન પ્રમાણે વધારીને ફરાર થઈ જાય છે. આ મામલે હવે તપાસ પણ શરુ કરવામાં આવી છે. આ ઘટના જે કેદ થઈ છે તે સિવાયના CCTVની મદદથી પણ આરોપીની ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે. આરોપી પકડાયા બાદ તેણે અગાઉ આ પ્રકારના કેટલા ગુના કર્યા છે અને કોઈ ગેંગ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવે છે કે કેમ તે પ્રકારના મહત્વના સવાલો પરથી પડદો ઉચકાઈ શકે છે.