રાજનીતિ@ગુજરાત: લોકસભામાં ભાજપના 20થી વધુ સાંસદોની ટિકિટ કપાઇ શકે, જાણો શું છે કારણ ?

 
BJP

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભાની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહ્યું છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્ત્સવ બાદ ઇન્ડિયા મહાગઠબંધનમાં ભંગાણ પડતાં ભાજપની રાજકીય સ્થિતિ વધુ મજબૂત બની છે. જોકે, આ વખતે ગુજરાતમાં 20થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાશે તે નક્કી છે. ભાજપ નવા ચહેરાઓને ચૂંટણી મેદાને ઉતારે તેવી પુરેપુરી શક્યતા છે. તેમાં વિવાદાસ્પદ જ નહીં 65થી વધુ વયના સાંસદોને ઘર ભેગા કરવા હાઇકમાન્ડે મન બનાવી લીધુ છે.

ગુજરાતમાં ભાજપે એક નવો રાજકીય પરિવર્તન પ્રયોગ હાથ ધર્યો છે. લોકસભાની ચૂંટણી હજુ જાહેર થઇ નથી. આ ઉપરાંત ભાજપે પણ ઉમેદવારોની ઘોષણા કરી નથી તે પહેલાં ગુજરાતમાં 26 બેઠકોમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ કરી દેવાયા છે. ગુજરાત ભાજપનો મજબૂત ગઢ છે ત્યારે આ વખતે ગુજરાતમાં 26 પૈકી 26 બેઠકો પાંચ લાખના માર્જીનથી જીતવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. અમદાવાદમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્દઘાટન બાદ એકમાત્ર અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડે તેવા સંકેત મળ્યા છે. અન્ય બેઠકો પર કોને ટિકીટ મળશે તે કહેવું મુશ્કેલ બન્યું છે. ચર્ચા છે કે, ગુજરાતમાં વર્તમાન ભાજપના 20થી વધુ સાંસદોને પુન:ટિકિટ મળે તેવી શક્યતા નહીવત છે.

આ વખતે પણ ભાજપ હાઇકમાન્ડ નો રિપીટ થિયરી અમલમાં મૂકીને વર્તમાન સાંસદોને ઘેરભેગા કરવાનુ મન બનાવ્યુ છે. આ ઉપરાંત આ વખતે તો સિર્ફ મોદી નામ કાપી હે આધારે જ ચૂંટણી લડાશે. આ કારણોસર જ હાઇકમાન્ડ જેને નક્કી કરે તેને વધાવી ભારે લીડ સાથે જીતાડવાનો આદેશ અત્યારથી જ આપી દેવાયો છે. આ જોતાં દાવેદારો પણ ટિકિટનું લોબિંગ કરી શકવાની સ્થિતિમાં નથી. ગુજરાતમાં દિપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી, શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કીરીટ સોલંકી સહિતના સાંસદો 65થી વધુ વયના છે. આ જોતાં બધાય સાંસદોની વિદાય લગભગ નક્કી છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલ ચૂંટણી લડવાનો ઇન્કાર કરી ચૂક્યા છે. આ ઉપરાંત નારણ કાછડિયા કથિત ધમકી આપવાના કિસ્સામં વિવાદમાં ઘેરાયેલા છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ડૉ. ચગની આત્મહત્યા પ્રકરણમાં ચગ્યુ હતુ. ભરત ડાભી અને મનસુખ વસાવા પક્ષ વિરોધી નિવેદન કરી વિવાદમાં આવી ચૂક્યા છે. ભારતી શિયાળને કેન્દ્રીય સંગઠનમાં સ્થાન મળ્યુ છે પરિણામે તેમને ય ટિકિટ મળી શકે તેમ નથી.

હવે ક્યા વર્તમાન સાંસદનું સંભવિત પત્તું કપાઇ શકે તે નામો જોઈએ તો દિપસિંહ રાઠોડ, નારણ કાછડિયા, ભરતસિંહ ડાભી, શારદાબેન પટેલ, મનસુખ વસાવા, પરબત પટેલ, કીરીટ સોલંકી, ભારતીબેન શિયાળ, રાજેશ ચુડાસમા, દેવુસિંહ ચૌહાણ, ડૉ. મહેન્દ્ર મુજપરા, વિનોદ ચાવડા, રમેશ ધડુક, મોહન કુંડારિયા, રંજનબેન ભટ્ટ, ગીતાબેન રાઠવા, મિતેષ પટેલ, હસમુખ પટેલ, કે.સી.પટેલની નામની સંભાવના છે. આ વખતે ભાજપ હાઇકમાન્ડે રાજ્યસભા અને લોકસભા સાંસદોને ચૂંટણી મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે ભાવનગર બેઠક પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા ચૂંટણી લડે તેવી શક્યતા જોવાઇ રહી છે. એવી ય ચર્ચા છે કે, મનસુખ માંડવિયાએ તો અત્યારથી ભાવનગર મત વિસ્તારમાં મતદારો સાથે સંપર્ક પણ શરૂ કર્યો છે.