કાર્યવાહી@ડીસા: પત્ની અને પ્રેમીએ મળી નડતરરૂપ પતિની કરી હતી હત્યા, જાણો કઈ રીતે ભેદ ઉકેલાયો ?

 
Dessa Murder

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાં પ્રેમ પ્રકરણમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. પ્રેમમાં નડતરરૂપ બનતા પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશ ફેંકી દીધી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી જેલના પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામની સીમમાંથી બે દિવસ અગાઉ એક અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવી હતી. આ અંગેની જાણ પોલીસને થતા તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસે પ્રાથમિક તપાસ કરતા મૃતકના શરીર પર ઇજાના નિશાન દેખાયા હતા જેથી પોલીસને હત્યા થઈ હોવાની શંકા ગઈ હતી. જેના પગલે ભીલડી પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરતાં મૃતકની પત્ની પર શંકા ગઈ હતી.

પરિણામે પોલીસે મૃતકની પત્ની સોનલ રાઠોડને બોલાવી પૂછપરછમાં સામે આવ્યું કે, તેને મુડેઠા ગામના જ અલ્પેશસંગ રાઠોડ સાથે પ્રેમસંબંધ હતો. પત્ની અને પ્રેમીના પ્રેમસંબંધમાં પતિ નડતરરૂપ બન્યો હતો. જેના પગલે બંને પતિની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. કાવતરા મુજબ બે દિવસ અગાઉ મૃતક વીરાજી રાઠોડ તેમના ખેતર પહોંચ્યા હતા તે સમયે અગાઉથી જ બાજુના ખેતરમાં છુપાઈને બેઠેલા પ્રેમીએ વીરાજી પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. લાશને મુડેઠા ગામની સીમમાં ફેંકી ત્યાંથી નાસી ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા.