રિપોર્ટ@ગુજરાત: મહિલા અનામત બિલ લાગુ થયું તો વિધાનસભાનું સમીકરણ બદલાઇ શકે, જાણો અહીં

અટલ સમાચાર, ડેસ્ક
સંસદના વિશેષ સત્રના બીજા દિવસે નવી સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે નારી શક્તિ વંદન અધિનિયમને લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલ પાસ થયા બાદ સંસદથી લઇને વિધાનસભાનું ગણિત પણ બદલાઇ જશે. આ બિલની રાજ્ય વિધાનસભાઓ પર શું અસર થશે તેના વિશે અમે તમને જણાવી રહ્યાં છીએ.
નારી શક્તિ વંદન અધિનિયમ-2023નું સંસદના બન્ને સદનમાં પાસ થવું જરૂરી છે. તે બાદ આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા પછી આ બિલ કાયદો બની જશે. તે બાદ જ સંસદ અને વિધાનસભામાં મહિલાઓ માટે 33 ટકા બેઠક અનામત બની જશે. સંસદમાંથી બિલને મંજૂરી મળ્યા બાદ મહિલા સાંસદોની સંખ્યા 181 થઇ જશે. એવામાં તમને રાજ્યની વિધાનસભા પર આ બિલની શું અસર પડશે અને પરીસીમન પછી ત્યાંની સ્થિતિ કેવી હશે તેના વિશે જણાવીયે.
ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે. જો મહિલા અનામત બિલ પાસ થાય છે તો વિધાનસભામાં મહિલાઓ માટે 61 બેઠક અનામત બની જશે. અત્યારે ગુજરાત વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની સંખ્યા 13 જેટલી છે. દેશનું સૌથી મોટુ રાજ્ય ઉત્તર પ્રદેશ છે. અહીં વિધાનસભાની 403 બેઠક છે. મહિલા અનામત બિલ કાયદો બનતા જ અહીંના 33 ટકા મહિલાઓ માટે અનામત થઇ જશે. 403 વિધાનસભા બેઠકમાંથી 132 બેઠક મહિલાઓ માટે અનામત હશે.