ઘટના@સાળંગપુર: મંદિર વિવાદ વચ્ચે યુવકે વિવાદિત ભીંતચિત્રો પર કાળું પોતું ફેરવી દીધું અને પછી.....

 
Sarangpur

અટલ સમાચાર, ડેસ્ક

સાળંગપુરમાં હનુમાનજીની પ્રતિમા નીચે સ્વામીનારાયણ સંપ્રદાયના સંત સામે હનુમાનજીને દાસ તરીકે દર્શાવવના મુદ્દે એક તરફ સાધુ-સંતોમાં ભારે ક્રોધ છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં દેખાય છે કે એક વ્યક્તિ દ્વારા જે ભીંતચિંત્રો છે તેના પર કાળો રંગ લગાવવામાં આવે છે અને તેના હાથમાં રહેલી છડી દ્વારા ભીંતચિત્રો પર પ્રહાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન ત્યાં પોલીસ પહોંચે છે અને તે શખ્સને ભીંતચિત્રો પર જે કૃત્ય કરવામાં આવતું હતું તેને અટકાવી દેવામાં આવે છે.

જે શખ્સ દ્વારા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવીને તથા છડીથી પ્રહાર કરવામાં આવી રહ્યો હતો તેની પોલીસે અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. હવે જે શખ્સની અટકાયત કરવામાં આવી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારી પણ સ્થળ પર પહોંચી ગયા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

જે ભીંતચિત્રોને લઈને વિવાદ ઉભો થયો છે તેના પર રંગ લગાવનારી વ્યક્તિ કોણ છે અને તેણે શા માટે આ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે શનિવાર છે ત્યારે મોટી સંખ્યામાં હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તો અહીં પહોંચતા હોય છે, આવામાં એક વ્યક્તિ અહીં દર્શન કરવા આવી હતી તેણે આ કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. કાળા રંગનું પોતું ભીંતચિત્રો પર ફેરવ્યા પછી આ શખ્સ દ્વારા ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં આ વ્યક્તિના હાથમાં છડી જેવું હથિયાર હતું તેનાથી તેણે ભીંતચિત્રો પર ફટકા મારવાનું શરુ કર્યું હતું. આ શખ્સનું કૃત્ય જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શખ્સની અટકાયત કરી લીધી છે.

આ બનાવની ગંભીરતાને જોતા બોટાદ ડીવાયએસપી, બરવાળા પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ પણ તાત્કાલિક દોડી આવ્યા હતા. હવે મંદિરના સંકૂલમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હવે આ વ્યક્તિ કોણ છે અને તે ક્યાંથી આવ્યો છે આ પ્રકાનું કૃત્ય શા માટે કર્યું તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે.