શરૂઆત@ગાંધીનગર: હવે તમારા ધારાસભ્યો શું કરે છે વિધાનસભામાં તે જુઓ લાઇવ વિડીયો ચેનલમાં

 
Gujarat Vidhansbha

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત વિધાનસભા એ ગુજરાતના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટેનું લોકશાહીનું મંદિર છે. ગુજરાત વિધાનસભામાં થતી સંસદીય બાબતોની કાર્યપ્રણાલીથી પ્રજા અવગત થાય તે માટે ખાસ ગુજરાત વિધાનસભાની યુટ્યૂબ ચેનલ શરૂ કરવામાં આવી છે. જેનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.  

 

વિધાનસભાની યુટ્યૂબ ચેનલના માધ્યમ થકી વિધાનસભા સંકુલમાં થતાં કાર્યક્રમની વીડિયો ક્લિપ્સ અપલોડ કરવામાં આવશે. જેના કારણે વિધાનસભા સંકુલમાં થતી સંસદીય બાબતો પ્રજા સુધી પહોંચશે. ગુજરાત વિધાનસભા ચેનલ માટે લોગો પણ તૈયાર કરવામાં આવ્યો છે. જે લોગો વિધાનસભા સંકુલમાં થયેલા કાર્યક્રમની વીડિયો ક્લિપમાં હશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની એક યુ-ટ્યૂબ ચેનલ શરૂ કરાઈ છે. ગૃહમાં ચાલતી કાર્યવાહીના વીડિયો આ ચેનલ પર પ્રસારિત કરવામાં આવશે, અલબત્ત આ ચેનલ પરના વીડિયો સેન્સર્ડ હશે. એટલે કે તમામ કાર્યવાહી લાઇવ બતાવવાને બદલે અમુક જ કાર્યવાહીના વીડિયો અને તે પણ સંકલન કરીને મૂકવામાં આવશે. ઘણી વાર વિધાનસભામાં ચર્ચા દરમિયાન સભ્યો બિનસંસદીય શબ્દોનો પોતાના ભાષણમાં ઉપયોગ કરે છે, તેથી આવા શબ્દોને અધ્યક્ષ વિધાનસભાના રેકર્ડ પરથી દૂર કરાવે છે. આ શબ્દો વીડિયો સ્વરૂપે જાહેરમાં પ્રસારિત ન થાય તે માટે વિધાનસભાની કાર્યવાહીના વીડિયોનું સંકલન કરીને તેને પબ્લિક ડોમેઇનમાં મૂકવામાં આવશે.

Jaherat
જાહેરાત

યુટ્યુબ ચેનલમાં શું-શું મૂકવામાં આવશે ? 

મુખ્યમંત્રીએ આ ચેનલનું વિધિવત્ રીતે લોંચિંગ કર્યું છે અને આ ચેનલની લિંક ગુજરાત વિધાનસભાની વેબસાઇટ પર પણ મૂકવામાં આવશે. જેમાં તમામ ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નો, મંત્રીઓએ આપેલા જવાબો, ગૃહમાં વિવિધ મુદ્દાઓ પર થતી ચર્ચા વગેરે તેમાં દર્શાવાશે. વિધાનસભાએ પોતાની વેબસાઈટ પર ગૃહની કાર્યવાહી સંદર્ભના દસ્તાવેજો નિયમિત મુકાય તેવું નક્કી કર્યું છે.