ધાર્મિક@મહેસાણા: તરભ ધામ કે જ્યાં છે વાળીનાથ મહાદેવની 900 વર્ષ જૂની મૂર્તિ, 5000 ભક્તો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા

 
Tarabh

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણાના તરભ વાળીનાથ મહાદેવનો અનેરો ઇતિહાસ રહેલો છે. ભારતમાં આ એક માત્ર એવું મંદિર છે કે જ્યાં દેવાધી દેવ મહાદેવ મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે. અને આ મૂર્તિ પણ સ્વયંભૂ પ્રગટ થયેલી હોવાની માન્યતા રહેલી છે. આ સ્થાનક ને રબારી સમાજની ગુરુગાદી માનવામાં આવે છે. આ સ્થાનક સાથે તમામ વર્ગ અને સમાજના લોકો નું અસ્થાનું કેન્દ્ર રહેલું છે. આ પવિત્ર સ્થાનકના 13 માં મહંત બળદેવગીરી બાપુ ને રબારી સમાજે ” ભા ‘ નું ઉપનામ આપ્યું હતું અને એક સૂત્ર પણ હતું કે ” ભા એજ ભગવાન”

ભગવાન ભોલેનાથના દર્શન કરવા તમે દેશના ગમે તે ખૂણે જાઓ પણ આપને શિવલિંગ સ્વરૂપે જ ભગવાન ભોલેનાથ ના દર્શન થશે. પરંતુ સમગ્ર દેશમાં એક જ એવું મંદિર છે કે જ્યાં ભગવાન ભોલેનાથનું શિવલિંગ પણ સ્વયંભૂ મુખારવિંદ વાળી પ્રતિમા સ્થાપિત છે. 900 વર્ષ અગાઉ અહી ભગવાન વાળીનાથ મહાદેવની પ્રતિમા વિરમગિરિ બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાંથી ખોદીને કાઢી હતી. જેની ધામધૂમથી સ્થાપના બાદ આજે પણ અહી આ પ્રતિમાની પૂજા અર્ચના થાય છે.

પૂજ્ય વિરમ ગીરી બાપુ ના નિર્વાણ પછી વાળીનાથજીની જગ્યામાં મહંત આચાર્ય પરંપરા શરૂ થઈ. આ મહંતોએ હંમેશા સંસ્થા દ્વારા સેવકોમાં ધાર્મિક સંસ્કારોની જાગૃતિ માટે તથા પ્રયત્નો કર્યા છે. અહી બ્રહ્મલીન ગાદીપતિ બાપુઓની સમાધિઓ હયાત છે. એ મહંત પરંપરા જોઈએ તો, સૌ પ્રથમ આદ્ય સ્થાપક મહંતવિરમગિરીબાપુ, મહંત પ્રેમ ગીરીબાપુ, મહંત સંતોક ગીરીબાપુ, મહંત ગુલાબ ગીરી બાપુ, મહંત નાથ ગીરીજી બાપુ, મહંત જગમાલ ગીરીબાપુ, મહંત શંભુગીરી બાપુ, મહંત ભગવાન ગીરીબાપુ, મહંત મોતી ગીરીબાપુ, મહંત કેશવ ગીરી બાપુ, મહંત હરિ ગીરીબાપુ, મહંત સુરજ ગીરીબાપુ, મહંત બળદેવ ગીરીબાપુ અને 1 હાલમાં મહંત જયરામ ગીરી બાપુ બિરાજમાન છે. 

ભગવાનના મંદિરે ભક્ત આવે અને ભૂખ્યો જાય એવું કદી ન બને. તરભ વાળીનાથ મહાદેવ ધામમાં પણ 900 વર્ષ જૂની પરંપરા હજુ ચાલી રહી છે. અહીં નિર્માણ પામેલ નવીન મંદિર સાથે વિશાળ પ્રસાદ ભોજનાલય પણ નવું બનાવવામાં આવ્યું છે. જ્યાં એક સાથે 5000 ભક્તો પ્રસાદ ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિશાળ ભોજનાલય અંદાજે બે કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. જ ભક્તોનો અવિરત પ્રવાહ આવતો રહેશે અને ભોજન પ્રસાદ ગ્રહણ કરતો રહેશે છતાં શ્રી ભગવાન વાળીનાથ મહાદેવની કૃપાદ્રષ્ટિથી અન્નનો ભંડાર કદી ખૂટશે નહીં.

 

શિવધામ તીર્થ ભૂમિ વાળીનાથ અખાડા , તરભ ખાતે આજથી લગભગ 900 વર્ષ પૂર્વે વાળીનાથ જી ની હાલની જગ્યા વાળી તપોભૂમિ પર વિરમગિરી બાપુનું આગમન થયેલું. વિરિયામગીરી બાપુએ પહેલા થોડોક સમય કંથારિયા ગામે રોકાણ કરેલું. જ્યાંથી ફરતા ફરતા ઉંઝા આવેલા. ઉંઝા માં કડવા પાટીદારો ને પણ ધર્મ જાગૃતિ સાથે જ્ઞાન અને ભક્તિ તરફ વાળ્યા. ઉંઝા ના પાટીદારો અને રબારીઓ તે સમયે વીરમગીરી બાપુને ગુરુદેવ તરીકે માનતા અને પૂજન કરતા. ઉંઝા થી વિરામગીરી બાપુ એ ભક્તરાજ તરભોવનભાઈના આગ્રહથી વાળીનાથની પવિત્ર ધરતી પર પધરામણી કરી. તરભની ધરતી પર વિરમગિરિ બાપુને તે સમયે સ્વપ્નમાં વાળીનાથ ભગવાનની મૂર્તિનાં અને ધુણી ના દર્શન થયેલા. બાપુએ સ્વપ્ન મુજબ જમીનમાં દટાયેલી ભગવાન વાળીનાથ ની મૂર્તિ બહાર કાઢી ધામધૂમ થી પ્રતિષ્ઠા કરી. અને રાયણ ના વૃક્ષ નીચે ચીપિયા વડે ધરતી ખોદીને અખંડ અગ્નિદેવ સમી ધૂણીના દર્શન થયા. જે રાયણ નું 900 વર્ષ જૂનું વૃક્ષ અને ધુણી આજે પણ હયાત છે. જેના દર્શન નો આજે પણ મહિમા છે.

900 વર્ષ જૂના તરભ ખાતેના વાળીનાથ મહાદેવ મંદિર સ્થાનકે હવે નવું ગુજરાતનું સૌથી મોટામાં મોટું સોમનાથ મંદિર બાદ બીજા નંબર નું વાળીનાથ મહાદેવ મંદિર તૈયાર કરાયું છે. આ મંદિરમાં મુખ્ય ત્રણ શિખર આકાર પામ્યા છે જેના મુખ્ય ગર્ભ ગૃહમાં ભગવાન શ્રી વાળીનાથ મહાદેવ જમણી બાજુએ બીજા ગર્ભ ગૃહમાં ગુરુ શ્રી દત્તાત્રેય ભગવાન અને ડાબી બાજુએ ત્રીજા ગર્ભ ગૃહમાં કુળદેવી પરમબા ભગવતી હિંગળાજ માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પામવાની છે. નાગર શૈલીમાં નવનિર્મિત આ ભવ્યાથી ભવ્ય સંપૂર્ણ શિવાલય ભારત વર્ષના મશહૂર સ્થાપત્યકાર સોમપુરા અને રાજસ્થાન તેમજ ઓરિસ્સાના ઉત્તમ શિલ્પકારોની બેનમૂન કોતરણી અને ઝીણવટ ભરી નકશીકામ દ્વારા આશરે 10 વર્ષના અથાગ પુરુષાર્થ અને ખંત થી નિર્માણ પામ્યું છે મંદિરમાં 68 ધર્મ સ્થંભો ઉપર સુશોભિત મહાકાય શિવાલયની ઊંચાઈ 101 ફૂટની છે. જેની લંબાઈ 265 ફૂટ અને પહોળાઈ 165 ફૂટ છે. મંદિરમાં વપરાયેલ પથ્થર નું ક્ષેત્રફળ 1.5 લાખ ઘન ફૂટ છે. ઐતિહાસિક નુતન શિવાલય ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પછીનું ઉત્તર ગુજરાતનું પ્રથમ વિશાળ શિવધામ છે. મંદિર બનાવવા માટે બંસી પહાડ પથ્થરનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે. વર્તમાન યુગમાં બંસી પહાડ પથ્થર અને નાગર શૈલીમાં નવનિર્મિત શિવધામ શ્રી વાળીનાથ મહાદેવ મંદિર આજીવન ભારતીય શિલ્પ કલાનું અલૌકિક ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન યોજાનાર અતિ રુદ્ર મહાયજ્ઞ માટે વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન આ યજ્ઞશાળામાં અતિ રુદ્ર મહાયજ્ઞ કરવામાં આવશે. યોગ્ય શાળા વિશે વાત કરીએ તો યોગ્ય શાળાની સન્મુખ અઢી લાખ રુદ્રાક્ષ થી શિવલિંગ નિર્માણ કરવામાં આવ્યું છે. યોગ્ય શાળા બનાવવામાં 14000 વાંસ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. યજ્ઞશાળા શાસ્ત્ર મુજબ પિરામિડ આકારની બનાવવામાં આવી છે. યજ્ઞશાળા બનાવવામાં સાડા ત્રણ મહિના જેટલો સમય લાગ્યો છે. યોગ્ય શાળા બનાવવા માટે યુપીના કાનપુરના 40 જેટલા કારીગરોએ અથાગ મહેનત કરી છે.