આગાહી@ઉ.ગુ.: પાટણ-મહેસાણા સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ માવઠાની શક્યતા, જાણો એક જ ક્લિકે

અટલ સમાચાર, ડેસ્ક
હવામાન વિભાગ દ્વારા આગામી 4માંથી 3 દિવસ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજસ્થાન પાસે બનેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, બહુ ઓછી જગ્યાઓ પર વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે આગામી 4 દિવસ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફાર નહીં થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે રાજ્યમાં 34થી 37 ડિગ્રી વચ્ચે તાપમાન રહી શકે છે.
રાજ્યમાં આજે પણ હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા તથા સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને કચ્છમાં હળવા વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે. 7મી એપ્રિલે પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી છે. જ્યારે આજ દિવસે સૌરાષ્ટ્ર-કચ્છના રાજકોટ, પોરબંદર અને કચ્છમાં પણ હળવો વરસાદ કે થંડરશાવર થઈ શકે છે.
આ પછી 8મી એપ્રિલે હવામાન સૂકું રહેવાની આગહી કરવામાં આવી છે. જ્યારે પાંચમા દિવસે એટલે કે 9મી તારીખે ફરી છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને કચ્છ જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
બુધવારે આગામી 5 દિવસ માટે કરવામાં આવેલી આગાહી પ્રમાણે તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતાઓ ન હોવાનું ડૉ. મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું છે. જોકે, તેમણે એમ પણ કહ્યું છે કે જો તાપમાનમાં વધારો થયો તો એકાદ-બે ડિગ્રીનો વધારો થઈ શકે છે તેનાથી વધારે ઊંચું તાપમાન જવાની શક્યતાઓ નથી.