રિપોર્ટ@અંકલેશ્વર: શહેર કરતાં 10ગણી ઝડપે આ નેતાનો વિકાસ થયો, પાલિકાની સેવામાં આખરે કરોડપતિ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
થોડાં દિવસો અગાઉ ભાજપના આગેવાન પ્રદિપસિંહ વાઘેલા અને જમીન કાંડના અહેવાલ ખૂબ આવ્યા હતા. ભાજપની ટોપ બોડી ભ્રષ્ટાચાર ચલાવતી નથી. આથી અંકલેશ્વર પાલિકાના સેવામાં ધનપતિ બનેલા નેતાની જાણકારી પણ યોગ્ય જગ્યાએ પહોંચવી જોઈએ. અંકલેશ્વર શહેર ઔદ્યોગિક યુનિટોથી ગુજરાતભરમાં જાણીતું છે પરંતુ આ શહેરનો વિકાસ કરતી પાલિકાની સેવામાં એક બાહુબલીની સફર પણ પ્રખ્યાત બની ગઈ છે. સફર એટલે પાલિકાની સેવામાં સફેદ ધારી નેતા જોતજોતામાં કરોડપતિ બની ગયા છે. પાલિકાની આવક કરતાં 10ગણી ઝડપે નેતાભાઇનો વિકાસ થયો છે. જાણીને નવાઇ લાગશે કે, મુખ્ય વ્યવસાય પાલિકાની સેવાનો છતાં બાહુબલી નેતા કલ્પના બહાર ધનપતિ બની ગયા છે. કેટલાક વર્ષો પહેલાં લખપતિ પણ નહોતા પરંતુ પાલિકાની સેવામાં રહીને કરોડપતિ બની ગયા છે બાહુબલી નેતા. જાણીએ અંકલેશ્વર પાલિકાને સંબંધિત નેતાનો ચોંકાવનારો અને રસપ્રદ રિપોર્ટ.
ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પાલિકા છેલ્લા કેટલાક દિવસોથી અવારનવાર નગરજનોની સેવામાં વામણી થતી જતી હોવાના અહેવાલો આવી રહ્યા છે. ઔદ્યોગિક શહેર તરીકે જાણીતું આ શહેર પાલિકા નામની ઓથોરિટી હેઠળ વિકાસમાં હરણફાળ ભરી શકે પરંતુ જરાક શહેરમાં આંટો મારો તો ખબર પડે કે, રસ્તા કાંડ કેવા હશે. વર્ષે દહાડે રસ્તા પાછળ ભરખમ બજેટ ખર્ચ કરવાનું છતાં રસ્તા ખરાબ જ રહે છે. હકીકતમાં વાત એમ છે કે, કેટલાક વર્ષો પહેલાં મધ્યમવર્ગીય ગણાતાં ભાઇ કેસરિયા પવનમાં પાલિકાની સેવામાં લાગી ગયા. સેવામાં લાગ્યાં બાદ એવું લાગતું કે, પાલિકાનો સુપરફાસ્ટ વિકાસ કરશે પરંતુ બન્યું એવું કે, પાલિકા કરતાં 10ગણી ઝડપે પોતાનો વિકાસ કરી ગયા છે આ નેતા. ગણતરીના વર્ષોમાં આ નેતા એટલા બાહુબલી બની ગયા કે, બીજા સભ્યો નામનાં પરંતુ હુકમનો એક્કો આ નેતા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, કેસરીયા સત્તાના આશીર્વાદથી આ નેતા અંકલેશ્વર શહેરમાં દિગ્ગજ બન્યા છે. ભલે મેઈન હોદ્દો ના હોય પરંતુ કોણ નગરસેવક બનશે અને કોણ સાઈડ થશે એટલી તાકાત ધરાવે છે આ નેતા. આ તાકાતના જોરે બાહુબલી નેતા મધ્યમ વર્ગમાંથી ચોંકી જાઓ એટલા ધનપતિ બની ગયા છે. વાત આટલી નથી, કથિત ભ્રષ્ટાચાર હોય, રોડ, ગટર, સ્વચ્છતા, જાહેર આરોગ્ય બાબતે ગમે તેટલી કથળેલી સ્થિતિ વચ્ચે કોઈ સેવક બોલી શકે ? આ ધનપતિ નેતા સિવાય કોઈ ક્દાચ હિંમત પણ ના કરી શકે. પાલિકામાં સેવાની અસર કહો કે પછી કેસરિયાના આશીર્વાદ કહો પરંતુ આ નેતા કોઈપણ મોટા બિઝનેસ વગર કરોડપતિ બની ગયા હોઈ શહેરમાં ચર્ચાનો વિષય સર્જાયો છે. આગળ જુઓ હજુ...
શહેરના મેઇન વ્યક્તિ નામના, બાકી વહીવટ તો આ બાહુબલી નેતાનો જ
અંકલેશ્વર પાલિકાના મેઈન હોદ્દેદાર કરતાં આ બાહુબલી નેતા વધુ પાવરફુલ છે. કેસરિયા ગૃપમા વજન પડતો હોવાથી અને કેસરિયા ગૃપ સમક્ષ એવી છાપ પાડી દીધી કે, મને કહી દો, પાલિકાની બાગડોર તમને જ મળશે, પરંતુ બીજી બાબતમાં આડું નહિ આવાનુ. આવી સ્થિતિમાં કેસરિયો રંગ અપાવી આ નેતાએ શહેર સાથે પોતાનો વિકાસ પણ સુપરફાસ્ટ કરી દીધો છે.
નેતાજીના સાહેબોને ખબર હશે આ ધનપતિ નેતાના વહીવટની ?
આખા અંકલેશ્વરને ખબર હોય કે, વર્ષો પહેલાં મધ્યમવર્ગીય હતા અને પાલિકાની સેવાચારીમા ધનપતિ બન્યા છે આ નેતા. નેતાજી કેવો વહીવટી કરે અથવા કરાવે ? ધનપતિની સફર ધોરણસરની કે પછી શંકાસ્પદ? આ બધી બાબતો નેતાજીના સાહેબોને ક્દાચ ના હોય. શક્યતા એવી પણ હોય કે, નેતાજીએ એવી છાપ ઉભી કરી હોય કે કેસરિયો જાળવી રાખશુ અને કેસરિયાના વિકાસમાં બાહુબલી નેતાનો ધનપતિ વિકાસ નજરે ના પણ ચડતો હોય.
જો સુગરવાળા સાથ આપે તો આ ધનપતિ નેતાની આલાકમાનને વાત પહોંચી જાય
સ્થાનિકોમાં એવી આશંકા છે કે, ધનપતિ નેતા ઉપર સુગરવાળાના મોટા આશીર્વાદ છે. આથી જો માત્ર સુગરવાળા ભેગા રહે અને સ્થાનિકોની રજૂઆતમાં મદદ કરે તો આ ધનપતિ નેતા વિશે પણ મોટો ઘટસ્ફોટ થઈ શકે છે.